નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં કાશ્મીરનો રાગ આલોપ્યો હતો. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના મુદ્દામાં પાકિસ્તાને યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, ભારતે આ પ્લેટફોર્મ મારફતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો.
યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમએ કહ્યું હતું કે, કાશ્મીરમાં લોકોની હાલની સ્થિતિ પેલેસ્ટિનના નાગરિકો જેવી છે. જે રીતે ઈઝરાયલ પેલેસ્ટિનના નાગરિકોની આઝાદી દબાવી રહ્યાં છે, તેવી જ રીતે ભારત કાશ્મીરમાં કાશ્મીરીઓનો અવાજ સાંભળવાનો ઈન્કાર કરે છે. પાકિસ્તાનના કાશ્મીર રાગને લઈને ભારતીય અધિકારીએ કહ્યું હતું કે, ભારત હંમેશા ઈઝરાયલ અને પેલેસ્ટિન વચ્ચે શાંતિપૂર્ણ સમાધાનના સમર્થન છે. ઈઝરાયલ મામલે ભારતીય અધિકારીએ પ્રતિક્રિયા આપ્યા બાદ ઉચ્ચ અધિકારીએ પાકિસ્તાનને વળતો જવાબ આપતા કહ્યું હતું કે, આ પ્રતિનિધિમંડળ દ્વારા જુની આદત છે. તેઓ હંમેશા સંઘ શાસિત પ્રદેશોનો ઉલ્લેખ કરે છે, જે મારા દેશનો અભિન્ન અંગ છે. હું તેમને કાશ્મીર મામલે જવાબ આપીને કોઈ સમ્માન આપવા માંગતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવારુલ હક કાકરએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં કાશ્મીર રાગ આલોપ્યો હતો. તે સમયે પણ ભારતે તેમને વળતો જવાબ આપ્યો હતો. તે વખતે ભારતે જવાબ આપતા જણાવ્યું હતું કે, પાકિસ્તાના કબજામાં જે ભારતીય વિસ્તાર છે તેને ખાલી કરવો જોઈએ અને સીમા પારના આતંકવાદને તાત્કાલિક રોકવો જોઈએ. તેમજ પાકિસ્તાન મોટી સંખ્યામાં આતંકવાદીઓને આસરો આપી રહ્યાંનો ભારતે આક્ષેપ કર્યો હતો.