ભારતનું કન્ઝ્યુમર માર્કેટ 2031 સુધીમાં બમણું થઈ જશે: નિર્મલા સીતારમણ
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, વર્ષ 2031 સુધીમાં ભારતના ગ્રાહક બજારનું કદ બમણું થઈ જશે અને આગામી 5 વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન વધીને 18 ટકા થઈ જશે. નાણામંત્રી બિઝનેસ ચેમ્બર CIIની વાર્ષિક બિઝનેસ સમિટ 2024ને સંબોધિત કરતા દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભારે બહુમતી સાથે સરકાર બનવા જઈ રહી છે.
CII ઈવેન્ટમાં બિઝનેસ લીડર્સને સંબોધિત કરતી વખતે, નાણામંત્રીએ S&P ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સ આઉટલુકના અહેવાલને ટાંકીને કહ્યું કે, દેશનું ગ્રાહક બજાર વર્ષ 2031 સુધીમાં બમણું થઈ જશે. 2.31 ટ્રિલિયન ડોલરની મોટી તક દેશના ઘરઆંગણે ઉભી છે. ખાદ્ય ચીજવસ્તુઓ પર દેશના ગ્રાહકોનો ખર્ચ વધીને 1.4 ટ્રિલિયન ડોલર થશે અને આ ક્ષેત્રમાં એક ટ્રિલિયન ડોલરની તકની રાહ જોવાઈ રહી છે.
નાણામંત્રીએ કહ્યું કે, S&P ગ્લોબલે તેના અહેવાલમાં કહ્યું છે કે ભારતમાં નાણાકીય સેવાઓ પરનો ખર્ચ વધીને 670 અબજ ડોલર થશે અને દેશ પાસે 390 અબજ ડોલરની તક છે. ભારતની અર્થવ્યવસ્થા, જે સૌથી ઝડપી ગતિએ વધી રહી છે, તે ભવિષ્યમાં પણ તેજ ગતિએ આગળ વધતી રહેશે.
નાણામંત્રીએ કહ્યું કે, ભારતને આગામી 30 વર્ષ સુધી ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મળતો રહેશે. આ કારણે દેશમાં વપરાશમાં ઝડપથી વધારો થશે. 2021ના વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટને ટાંકતા તેમણે કહ્યું કે દેશમાં 50 મિલિયન નવી નોકરીઓનું સર્જન થશે, જેના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર 1 ટ્રિલિયન ડોલરની અસર જોવા મળશે.
નાણામંત્રીએ દાવો કર્યો કે, દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર મોટી બહુમતી સાથે પરત ફરશે. સરકાર બન્યા બાદ જુલાઇ માસમાં રજુ થનાર બજેટ અંગે સીઆઇઆઇ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જુલાઈમાં રજૂ થનારા બજેટ માટે પરામર્શ શરૂ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે CII દ્વારા આપવામાં આવેલા સૂચનોને જુલાઈમાં રજૂ થનારા બજેટમાં સામેલ કરવામાં આવશે.