નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્દનાએ ભારતની સતત પ્રગતિને બિરદાવી છે અને કહ્યું છે કે તેનાથી શ્રીલંકાને પણ પ્રેરણા મળી છે. શ્રીલંકા ઈન્ડિયા સોસાયટી દ્વારા આયોજિત ભારતના 77મા સ્વતંત્રતા દિવસની યાદમાં આયોજિત રાત્રિભોજનમાં બોલતા પ્રધાનમંત્રી કહ્યું કે, ભારતે યોગ્ય રીતે વિશ્વના મંચ પર તેનું સ્થાન પાછું મેળવ્યું છે અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં તેનું સ્થાન વધાર્યું છે. શ્રીલંકાના પ્રધાનમંત્રીએ સફળ ચંદ્રયાન મિશન માટે ભારતની પ્રશંસા કરી અને ઉમેર્યું કે શ્રીલંકા આ સિદ્ધિ માટે ભારતને સલામ કરે છે. તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની મુલાકાતના પરિણામોનું પણ વર્ણન કર્યું જ્યારે તેઓ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર ગોપાલ બાગલેએ છેલ્લા વર્ષમાં દ્વિપક્ષીય સંબંધોના વિકાસ પર પ્રકાશ પાડ્યો અને ભવિષ્ય વિશે વાત કરી જ્યાં બે દેશો વચ્ચે જોડાણ એ મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે જે પાણી બંને દેશોને વિભાજિત કરે છે તે વાસ્તવમાં તેમને એકબીજા સાથે જોડે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના સહયોગનો ઉલ્લેખ કર્યો જે શ્રીલંકા અને તેના લોકોને મદદ કરશે. આ કાર્યક્રમમાં શ્રીલંકાના અનેક મંત્રીઓ, પૂર્વીય પ્રાંતના ગવર્નર સેન્થિલ થોન્ડમન, શ્રીલંકામાં ભારતીય સમુદાયના સભ્યો અને ભારતના મિત્રોએ હાજરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકામાં હાલ અર્થતંત્ર ધીમે-ધીમે પાટે ચડી રહ્યું છે. પ્રથમ સંબંધી પડોશીના નામે આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા શ્રીલંકાની મદદ માટે ભારત આગળ આવ્યું હતું. તેમજ જરુરી મદદ પુરી પાડી હતી. કોરોના મહામારી વખતે પણ ભારતે કોવિડ-19ની વેક્સિન સહિતની જરુરી દવાઓ પુરી પાડી હતી.