નવી દિલ્હીઃ ભારત સરકારે અત્યાર સુધીમાં 300 થી વધુ મોબાઈલ એપ્સ બ્લોક કરી છે. ભારત સરકારે ચીન સહિત દુનિયાના અલગ-અલગ દેશોમાં બનેલી 348 મોબાઈલ એપ્સને નાગરિકોની પ્રોફાઇલિંગ કથિત રીતે એકત્ર કરીને અનઅધિકૃત રીતે વિદેશ મોકલવાના મામલે બ્લોક કરી છે. તેમ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, “આ 348 મોબાઇલ એપ્લિકેશન્સ યુઝરની માહિતી એકઠી કરી રહી હતી અને તેને અનધિકૃત પ્રોફાઇલિંગ માટે દેશની બહાર સ્થિત સર્વર્સ પર એક્સેસ કરી રહી હતી.” તેમણે જણાવ્યું હતું કે “MHAની વિનંતીના આધારે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) એ તે 348 મોબાઇલ એપ્લિકેશનને બ્લોક કરી છે કારણ કે આવા ડેટા ટ્રાન્સમિશનથી ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતના સંરક્ષણ અને રાજ્યની સુરક્ષાનું ઉલ્લંઘન થાય છે.” “આ એપ્સ ચીન સહિત વિવિધ દેશો દ્વારા વિકસાવવામાં આવી હતી.”
સરકારનો આ નિર્ણય દક્ષિણ કોરિયાની ગેમિંગ દિગ્ગજ ક્રાફ્ટનના એક લોકપ્રિય બેટલ રોયલ ગેમ, બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયાને પ્લે સ્ટોરમાંથી હટાવ્યાના કેટલાક દિવસ બાદ લેવાયો હતો. ગુગલે કહ્યું હતું કે, આ સંબંધે સરકારનો આદેશ મળ્યો હતો એટલે અમે તેને બ્લોક કરી દીધી હતી.
સપ્ટેમ્બર 2020માં ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્રાફ્ટનને પ્લેયર યુએનડોગ્સ બેટલગ્રાઉન્ડને 117 અન્ય ચીન-લિંક્ડ એપ્સની સાથે બ્લોક કરવામાં આવી હતી. આ પહેલા ગયા વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ પણ સુરક્ષાનો કારણોસર ચીન સાથે જોડાયેલી બેટલ રોયલ ગેમ ફ્રી ફાયર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.