ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોરનો રૂ. 3.5 લાખ કરોડથી પ્રારંભ
નવી દિલ્હીઃ ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEEC)નું કામ શરૂ થઈ ગયું છે. 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડતા આ પ્રોજેક્ટમાં 3.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થવાને કારણે આ પ્રોજેક્ટ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા હતા. પરંતુ ભારત સરકારનું કહેવું છે કે, તેની કોઈ અસર નહીં થાય. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે “IMEEC ભારતની પહેલ છે અને આ પ્રોજેક્ટ લાંબા ગાળા માટે છે અને તેનું મહત્વ પણ લાંબા ગાળાનું છે. ટૂંકા ગાળાની વિક્ષેપ ચિંતાનો વિષય હોઈ શકે છે, પરંતુ અમે માર્ગ શોધીશું.”
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવેના જણાવ્યા અનુસાર, ભારતીય રેલવેએ આઠ બંદરો પર કનેક્ટિવિટી સુધારવા માટે રોકાણ વધારાશે, જેથી કરીને દેશના કોઈપણ ભાગમાંથી 36 કલાકની અંદર આ બંદરો સુધી પહોંચી શકાય અને IMEEC આનો ઉપયોગ કરીને પોતાનો કાર્ગો પશ્ચિમ એશિયા અને યુરોપમાં ઝડપથી મોકલી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રૂ. 3.5 લાખ કરોડના રોકાણમાં એવા ઘણા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે જે પાઇપલાઇનમાં છે અથવા તાજેતરમાં મંજૂર કરવામાં આવ્યા છે, જેમ કે રૂ. 4,500 સોન નગર-આંધલ લિંક અપગ્રેડ.
ગયા અઠવાડિયે ઓવલ ઑફિસમાંથી યુએસ પ્રમુખ જો બિડેને IMEECને પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ પ્રોજેક્ટ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને મિડલ ઈસ્ટ માટે સારું ભવિષ્ય બનાવવા માટે કામ કરશે. આ પ્રોજેક્ટની જાહેરાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલી G-20 સમિટ દરમિયાન કરી હતી. આ યોજના હેઠળ ભારતીય બંદરોથી યુનાઈટેડ આરબ અમીરાતના ફુજૈરાહ સુધી જહાજ દ્વારા માલ લઈ જઈ શકાય છે. આ પછી કન્ટેનરને ત્યાંથી ટ્રેન દ્વારા ઈઝરાયેલના હાઈફા લઈ જવામાં આવશે. હાઈફાથી કન્ટેનર ઈટાલી, ફ્રાન્સ, યુકે અને યુએસ સહિત યુરોપમાં જઈ શકશે. આ પ્રોજેક્ટ હેઠળ કેટલીક હિલચાલ ગ્રીસ અને ઉત્તર આફ્રિકાના બંદરો પર પણ જોઈ શકાય છે.