40 દિવસમાં 400 કરોડની નિકાસ સાથે હેન્ડલુમ-ટેક્સટાઇલમાં ભારતનો નિકાસ દર ઊંચોઃ કેન્દ્રીય મંત્રી
અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત આજે ખાસ તમિલ ભગિનીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. તમિલનાડુથી આવેલા 282 સૌરાષ્ટ્ર તમિલ ભગિનીઓ સાથે કેન્દ્રીય પ્રવાસન સાંસ્કૃતિક વિકાસના મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાત રાજ્યના ઉદ્યોગ તેમજ કુટીર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્રારા વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યુ હતુ કે, આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચેની શિવભકિતનો અનોખો સંગમ છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ અને તમિલનાડુના રામેશ્વવરમ સાથે સદીઓ જૂની પરંપરા, સંસ્કૃતિ, કલા, સાહિત્ય, હસ્તકલાનો પણ આ સંગમ છે. આપણી સૌની ભાષા ભલે જુદી છે પરંતુ આ કાર્યક્રમ વિવિધતામાં એકતાનો સંદેશ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અભિયાનની કલ્પનાનો અનોખો સંગમ છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ સોમનાથ પર થયેલા આક્રમણના ઈતિહાસને અને વીર હમીરજીના બલિદાનને પણ યાદ કર્યુ હતું. સોમનાથ મંદિરના નવનિર્માણ માટે ભગીરથ કાર્યકરનારા મહારાણી અહલ્યાબાઈ હોલકર, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશીના યોગદાનને પણ તેમણે બિરદાવ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, માધવપુરના મેળા દ્વારા ઉત્તર-પૂર્વના રાજ્યો સાથે સૌરાષ્ટ્રનો સંગમ હોય કે પછી કાશિ તમિલ સંગમ, કાશ્મીર તમિલ સંગમ, સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા કાર્યક્રમો દ્વારા અમૃતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની એકતાને દેશની વિભિન્ન સંસ્કૃતિકના એકીકરણનો સંદેશો આપી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ પોતાના ગુજરાત સાથેના ચાલીસ વર્ષ જૂના સંબંધો અને આતિથ્યને પણ વાગોળ્યું હતું.
પરિસંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે સૌરાષ્ટ્રીયન તમિલ ભગિનીઓને આવકારી હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાલ આઝાદીનો અમૃતકાળ શરુ છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીના 100 વર્ષે આપણું ભારત ફરી સર્વ શ્રેષ્ઠ બને તેના માટે વિવિધ વિભાગોમાં નવતર પ્રયોગો સાથે કામ કરવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ સર્વશ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સાંસ્કૃતિક વિરાસતને સાચવવા અને નાગરિક તરીકે સંપૂર્ણ જવાબદારી નિભાવવાની બે બાબતો પર ભાર મૂક્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમએ આપણી સાંસ્કૃતિક વિરાસતને સાચવી દેશની એકતાને વધુ સુદ્રઢ કરવાનો સેતુ બન્યો છે.
મંત્રીએ હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની ભાગીદારી વિશે જણાવી કહ્યું હતું કે, અનેક વિવિંગ સેન્ટર અને હેન્ડીક્રાફ્ટમાં મહિલાઓનું ઉત્કૃષ્ટ પ્રદાન રહ્યું છે. માત્ર 40 દિવસમાં 400 કરોડથી વધુની નિકાસ સાથે હેન્ડલુમ -ટેક્સટાઇલમાં ભારતનો નિકાસ દર ખૂબ જ ઊંચો છે. ત્યારે સરકાર દ્વારા વિવિધ સ્કીમ અંતર્ગત દરેક વિસ્તારની ખાસ બનાવટોને જીઆઇટેગ દ્વારા સંરક્ષિત કરવામાં આવી છે. તામિલનાડુની કાંજીવરમ સાડીને પણ જી-આઇ દ્વારા સુરક્ષિત કરી સરકાર દ્વારા જી.આઇ ટેક થકી અન્ય દેશોના વ્યાપારમાં સ્થાનિક વસ્તુઓની ભાગીદારી વધારવામાં આવી છે.
મહિલાઓના કલ્યાણની સ્કીમ અંતર્ગત અનેક હાથ વણાટકારોની આ ડબલ એન્જિન સરકારના સમયમાં પ્રગતિ થઈ છે. રેલવે રાજ્યમંત્રીએ આઈ.આર.સી.ટી.સી.ના માધ્યમથી પ્રવાસીઓને સ્ટેશન અને ટ્રેનના વિકાસથી મળતી સુવિધાઓ વિષે જણાવી માહિતી આપી હતી કે, ભારતમાં 750 સ્ટેશન પર હેન્ડલુમ-હેન્ડીક્રાફ્ટના સ્ટોલ કાર્યરત છે જેમાં ચેન્નાઈ સ્ટેશન પરથી સૌથી વધુ વેચાણ સાડીનું થાય છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ દ્વારા સોમનાથ અને તમિલનાડુના સાંસ્કૃતિક- કળા- વારસાના મેળાપની શરૂઆત થઈ છે. જે આગામી દિવસોમાં હજુ પણ આગળ વધી સંપૂર્ણ સંગમમાં પરિવર્તિત થશે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.