નવી દિલ્હીઃ દેશમાંથી 1 થી 7 એપ્રિલની વચ્ચે નિકાસ 37.57 ટકા વધીને 9.32 બિલિયન ડોલર થઈ છે. ડેટા અનુસાર, પેટ્રોલિયમને બાદ કરતાં નિકાસમાં 24.32 ટકાનો વધારો થયો છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન આયાત 8.29 ટકા વધીને 10.54 અબજ ડોલર થઈ છે. નાણાકીય વર્ષ 2021-22માં દેશની વસ્તુ નિકાસ 418 અબજ ડોલરના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ્સ સેક્ટરની સારી કામગીરીને કારણે નાણાકીય વર્ષ 2021-22માં ભારતની માલસામાનની નિકાસમાં રેકોર્ડ 418 બિલિયન ડોલર પહોંચ્યો છે.
માહિતી અનુસાર, માર્ચ 2022 માં, દેશમાંથી 40 અરબ ડોલરની નિકાસ થઈ, જે એક મહિનામાં નિકાસનું રેકોર્ડ સ્તર છે. અગાઉ માર્ચ 2021માં નિકાસનો આંકડો 34 અરબ ડોલર હતો. સત્તાવાર ડેટા અનુસાર, ભારતે નાણાકીય વર્ષ 2020-21માં 292 અરબ ડોલરની નિકાસ કરી હતી. વર્ષ 2021-22માં મોટા વધારા સાથે નિકાસનો આંકડો 418 અરબ ડોલર પર પહોંચી ગયો છે. 23 માર્ચે દેશે 400 અબજ ડોલરની નિકાસનો આંકડો પાર કર્યો હતો. ભારતે સૌથી વધુ યુ.એસ.માં નિકાસ કરી છે. આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત (UAE), ચીન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડનો નંબર આવે છે. નિકાસનો આંકડો $400 બિલિયનને વટાવી જવાને એક મોટી સિદ્ધિ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં આ એક સીમાચિહ્નરૂપ છે. આત્મ નિર્ભર ભારત યોજના હેઠળ નાના-મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવતા નિકાસમાં વધારો થયાનું મનાઈ રહ્યું છે.