કોલકતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં રૂ. 15,400 કરોડના મૂલ્યના અનેક કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ છ નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ અંતર્ગત કોલકાતાના હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચેની અંડરવોટર મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત ભારતમાં નદીની નીચેની પ્રથમ ટનલ પણ પરિવહન માટે ખોલવામાં આવશે. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી કોલકાતામાં ભારતની પ્રથમ અન્ડરવોટર મેટ્રો રેલમાં સવાર થયા હતા અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કવિ સુભાષ મેટ્રો, માજેરહાટ મેટ્રો, કોચી મેટ્રો, આગ્રા મેટ્રો, મેરઠ-આરઆરટીએસ સેક્શન, પુણે મેટ્રો, એસ્પ્લેનેડ મેટ્રો-કોલકાતાથી મેટ્રો રેલવે સેવાઓને લીલી ઝંડી બતાવી હતી.
જાણો તેની વિશેષતા પણ
- હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચેની ટનલની કુલ લંબાઈ 4.8 કિલોમીટર છે.
- આ 1.2 કિમીની ટનલ હુગલી નદીની નીચે 30 મીટર નીચે આવેલી છે, જે તેને કોઈપણ મોટી નદીની નીચે દેશની પ્રથમ પરિવહન ટનલ બનાવે છે.
- આ ઉપરાંત, હુગલી નદીની નીચે સ્થાપિત હાવડા મેટ્રો સ્ટેશન પણ દેશનું સૌથી ઊંડું સ્ટેશન હશે.
- આ ટનલ પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે.
- સોલ્ટ લેક સેક્ટર 5 થી સિયાલદાહ સુધીનો કોરિડોર હાલમાં વ્યવસાયિક કામગીરીમાં છે.
કોરિડોરની ઓળખ 1971માં થઈ હતી
મેટ્રો રેલ અનુસાર, આ કોરિડોરની ઓળખ 1971માં શહેરના માસ્ટર પ્લાનમાં કરવામાં આવી હતી. મેટ્રો રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કૌશિક મિત્રાએ કહ્યું કે, હાવડા અને કોલકાતા પશ્ચિમ બંગાળના બે સદીઓ જૂના ઐતિહાસિક શહેરો છે અને આ ટનલ આ બંને શહેરોને હુગલી નદીની નીચે જોડશે.