નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટર બિશન સિંદ બેદીનું લાંબી બીમારીને પગલે 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. બેદીએ ભારત માટે કુલ 77 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં 273 વિકેટ મેળવી હતી. બેદીને ભારતીય ટેસ્ટ ઈતિહાસના મહાન સ્પિનર માનવામાં આવે છે. તેમણે પોતાની બોલીંગ તાકીતથી ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. બિશન સિંહ બેદીને અંગદ બેદી, ગાવસ ઈન્દર બેદી, નેહા બેદી અને ગિલિંદર બેદી એમ ચાર સંતાન છે. તેમના પુત્ર અંગદ બેદીએ ભારતીય ફિલ્મ જગતની અભિનેત્રી નેહા ધૂપિયા સાથે લગ્ન કર્યાં છે. બિશન સિંહ બેદીએ 67 ટેસ્ટ મેચમાં 266 અને 10 વન-ડે મેચમાં સાત વિકેટ મેળવી હતી.
બિશન સિંહ બેદી ભારત માટે વર્ષ 1966થી 1979 સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યાં છે. તેઓ ભારતના મશહુર સ્પિન ચોકડીનો ભાગ હતા. આ ચોકડીમાં તેમના ઉપરાંત ઈરાપલ્લી પ્રસન્ના, શ્રીનિવાસ વેન્કટરાઘવન અને ભાગવત ચંદ્રશેખરનો સમાવેશ થાય છે. ચારેય સ્પિનરોએ મળીને 231 ટેસ્ટમાં લગભગ 853 જેટલી વિકેટ મેળવી હતી. બેદીએ 1969-70માં કોલકાતા ટેસ્ટમાં એસ્ટ્રેલિયા સામે એક ઈનીંગ્સમાં 98 રન આપીને સાત વિકેટ મેળવી હતી. આ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 1977-78માં પર્થના મેદાનમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 194 રન આપીને 10 વિકેટ ઝડપી હતી. તેમણે વર્ષ 1979માં કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટમાં એક માત્ર અડધી સદી મારી હતી.
બિશન સિંહ બેદીને વર્ષ 1976માં ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. ભારતીય ટીમના જાણીતા ક્રિકેટર મંસુર અલી ખાન પટોડીની જગ્યાએ તેમને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં વર્ષ 1976માં ભારતીય ટીમની જીત થઈ હતી. આ ઉપરાંત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 3-1, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 3-2 અને પાકિસ્તાન પ્રવાસમાં 2-0થી ભારતીય ટીમની હાર થતા તેમને કેપ્ટન તરીકે દુર કરવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ સુનિલ ગાવસ્કરને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. બેદીએ 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત 15 વાર એક ઈનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપવાનો રેકોર્ડ છે. 10 વન-ડે મેચમાં તેમણે સાત વિકેટ ઝડપી હતી.