ભારતની આરોગ્ય વ્યવસ્થા “સંપૂર્ણ સરકાર” અને “સંપૂર્ણ સમાજ”ના અભિગમને અપનાવે છે: જે.પી.નડ્ડા
નવી દિલ્હીઃ “ભારતનું આરોગ્ય તંત્ર સાર્વત્રિક આરોગ્ય કવચ (યુએચસી) પ્રાપ્ત કરવા માટે “સમગ્ર સરકાર” અને “સમગ્ર સમાજ”ના અભિગમને અપનાવે છે, જેમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ અને આવશ્યક સેવાઓને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.” કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે અહીં ડબ્લ્યુએચઓ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્ર (SEARO)ના 77માં સત્રના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આ જાણકારી આપી હતી.
પ્રાદેશિક સમિતિની બેઠકના પ્રારંભિક સત્રમાં પદાધિકારીઓની ચૂંટણી, “પ્રસ્તાવો અને નિર્ણયો માટે ડ્રાફ્ટ જૂથ”ની રચના, સત્રના સંચાલનને નિયંત્રિત કરવા માટે “વિશેષ પ્રક્રિયાઓ” અપનાવવા અને કામચલાઉ એજન્ડાને અપનાવવાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનાં મુખ્ય મથકનાં શેફ ડી કેબિનેટ ડૉ. રઝિયા પેન્ડસે, ભૂતાનના આરોગ્ય મંત્રી લ્યોન્પો ટંડિન વાંગચુક, માલદીવના સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ્લા નાઝિમ ઇબ્રાહિમ, નેપાળના આરોગ્ય અને વસતિ મંત્રી પ્રદિપ પૌડેલ, તિમોર લેસ્ટેના આરોગ્ય મંત્રી ડો. એલિયા એન્ટોનિયો ડી અરાઉજો ડોસ રીસ અમરાલ, બાંગ્લાદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ સચિવ એમએ અકમાલ હુસૈન આઝાદ, ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રાલયના જનરલ સેક્રેટરી કુંટા વિબાવા દાસા નુગ્રહ, શ્રીલંકા આરોગ્ય મંત્રાલયના સચિવ ડૉ. પી.જી. મહિપાલા, પ્રજાસત્તાક ભારતમાં ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયાના રાજદૂત ચોઈ હુઈ ચોલ અને થાઈલેન્ડના જાહેર આરોગ્ય મંત્રાલયના નાયબ કાયમી સચિવ ડૉ. વીરૌત ઈમસામરાન સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતા.
નડ્ડાએ કહ્યું હતું કે, “તમામને સ્વાસ્થ્ય કવચ પ્રદાન કરવાની કટિબદ્ધતાને અનુરૂપ કેન્દ્ર સરકારે દુનિયાની સૌથી મોટી જાહેર ભંડોળથી ચાલતી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી – જન આરોગ્ય યોજના (એબી પીએમ-જેએવાય)નો શુભારંભ કર્યો છે. આ પહેલ 120 મિલિયનથી વધુ પરિવારોને આવરી લે છે, જે કુટુંબ દીઠ વાર્ષિક 6,000 ડોલરનો હોસ્પિટલાઇઝેશન લાભ પૂરો પાડે છે.” તેમણે પ્રકાશ પાડ્યો કે સરકારે તાજેતરમાં જ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ નાગરિકો માટે આ યોજનાનો વિસ્તાર કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ વિસ્તરણથી 60 મિલિયન વયોવૃદ્ધ વસતિ સહિત આશરે 45 મિલિયન પરિવારોને નિઃશુલ્ક સ્વાસ્થ્ય વીમા કવચ પ્રદાન કરવાનો લાભ મળશે. તે ભારતની વધતી જતી વયોવૃદ્ધ જનસંખ્યા માટે સાર્વત્રિક અને સર્વસમાવેશક હેલ્થકેર સુનિશ્ચિત કરવાની સરકારની કટિબદ્ધતાને રેખાંકિત કરે છે.”
બિનચેપી રોગો (એનસીડી)ને કારણે ઊભા થયેલા જાહેર આરોગ્ય પડકારોનો સ્વીકાર કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “ભારત હાયપરટેન્શન, ડાયાબિટીસ અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગો જેવી પરિસ્થિતિઓનું સમાધાન કરવા માટે વર્ષ 2010થી એનસીડીનાં નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે. આ પહેલને પગલે 753 એનસીડી ક્લિનિક્સ, 356 ડે કેર સેન્ટર્સ અને 6,238 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવી છે, જે પ્રારંભિક તબક્કે નિવારક પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરશે.”
નડ્ડાએ જણાવ્યું હતું કે, ડિજિટલ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ભારત દિવાદાંડી દેશ સ્વરૂપે ભારત આયુષ્માન ભારત ડિજિટલ મિશન, ઇ-સંજીવની, ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (આઇએચઆઇપી), સક્ષમ વગેરે જેવા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઇ)નું આદાન-પ્રદાન કરવા માટે સજ્જ છે. આ માટે ભારતનાં જી20નાં રાષ્ટ્રપતિ પદ દરમિયાન શરૂ કરવામાં આવેલા ડબલ્યુએચઓ દ્વારા સંચાલિત નેટવર્ક ડિજિટલ હેલ્થ પર ગ્લોબલ ઇનિશિયેટિવ મારફતે ટેકનિકલ અને નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, “કોવિડ-19 રોગચાળા દરમિયાન કોવિન ડિજિટલ પ્લેટફોર્મની નોંધપાત્ર સફળતાને પગલે ભારતે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ માટે ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ-યુવિનની કલ્પના કરી છે. પોર્ટલ રસીકરણની તમામ ઘટનાઓનું રજિસ્ટ્રેશન, ટ્રેક અને દેખરેખ રાખશે.”
દક્ષિણ-પૂર્વ એશિયાના અસંખ્ય સભ્ય રાષ્ટ્રોમાં પરંપરાગત અને પૂરક દવાઓ મહત્વની ભૂમિકા અદા કરે છે તે સમજીને શ્રી નડ્ડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે વૈશ્વિક સ્તરે આ વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની રચનામાં ડબ્લ્યુએચઓને ટેકો આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “ચિકિત્સાની પરંપરાગત વ્યવસ્થા સાથે આ વ્યવસ્થાને સંકલિત કરવાનો ભારતનો અનુભવ સંપૂર્ણ હેલ્થકેરની જોગવાઈ તરફ દોરી ગયો છે, જે સંપૂર્ણ સુખાકારીને પ્રોત્સાહન આપે છે અને હેલ્થકેર સેવાઓની શ્રેણીને વિસ્તૃત કરે છે.” તેમણે ઉમેર્યું હતું કે, “આપણું આયુષ્માન આરોગ્ય સ્વાસ્થ્ય મંદિર કે જે સામુદાયિક સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રો છે, એ પરંપરાગત અને પરંપરાગત એમ બંને પ્રકારની દવાઓની પદ્ધતિઓ મારફતે વિસ્તૃત સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ છે, જે આપણાં નાગરિકોની શારીરિક અને માનસિક સુખાકારી સુનિશ્ચિત કરે છે.”
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ના વિઝનને રેખાંકિત કરીને પોતાના સંબોધનનું સમાપન કર્યું હતું, જેનો શાબ્દિક અર્થ થાય છે, ‘સૌની ભાગીદારી, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, તમામના પ્રયાસો’. આમાં વૈશ્વિક પડકારોનું સમાધાન કરવા, સર્વસમાવેશક, માનવ-કેન્દ્રિત વૃદ્ધિને પ્રોત્સાહન આપવા, આકાંક્ષાઓ સ્વીકારીને વિશ્વાસનું નિર્માણ કરવા અને વૈશ્વિક હિત માટે દરેક રાષ્ટ્રની શક્તિનો ઉપયોગ કરવા માટે એકતાની કલ્પના કરવામાં આવી છે. “અમારું માનવું છે કે સામૂહિક અનુભવો વિવિધ દેશોમાં પરિવર્તનકારી કાર્યોને આગળ ધપાવી શકે છે. આરોગ્ય સરહદોને ઓળંગી જાય છે, જે માટે સર્વગ્રાહી અને સહયોગી અભિગમની જરૂર પડે છે. એકબીજાની સફળતાઓ અને પડકારોમાંથી બોધપાઠ લઈને આપણે સ્વાસ્થ્ય વ્યવસ્થાની સ્થિતિસ્થાપકતા વધારી શકીએ છીએ.”