- સરકારના નવા કૃષિ કાયદાઓને લઇને IMFના ચીફ ઇકોનોમિસ્ટનું નિવેદન
- નવા કૃષિ કાયદાઓથી ખેડૂતોની આવકમાં વૃદ્વિ થશે
- જો કે ખેતમજૂરોને સામાજીક સુરક્ષા પ્રદાન કરવી આવશ્યક
નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓને લઇને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સંસ્થાના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે તાજેતરમાં અમલી બનેલા કૃષિ કાયદાઓમાં ખેડૂતોની આવક વધારવાની ક્ષમતા રહેલી છે. પરંતુ ગોપીનાથે તેની સાથે જ પછાત તેમજ ખેતમજૂરોને સામાજીક સુરક્ષા પ્રદાન કરવા પર ભાર મૂક્યો હતો. તેઓએ એમ પણ કહ્યું હતું કે ભારતીય કૃષિ ક્ષેત્રમાં મોટા પાયે સુધારાની આવશ્યકતા છે.
ગીતા ગોપીનાથે કહ્યું કે, કૃષિ ક્ષેત્રે અનેક સુધારાની આવશ્યકતા છે જેમાં માળખાકીય સુવિધા ઊભી કરવી પણ પ્રાથમિકતા છે. આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ નવા કૃષિ કાયદાઓને અમલમાં મૂક્યા હતા અને સરકારનો દાવો છે કે આ કૃષિ સુધારણાનું મોટું પગલું છે અને તેના કારણે વચેટિયાઓથી છૂટકારો મળશે અને ખેડૂતો દેશમાં ગમે ત્યાં પોતાનો પાક વેચી શકશે.
ગીતા ગોપીનાથે ઉમેર્યુ હતું કે, માર્કેટિંગ માટે એક ખાસ કૃષિ કાયદો લાવવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોને વેચાણ માટે વ્યાપક માર્કેટ મળી રહેશે. કોઇપણ ટેક્સ ચૂકવ્યા વગર ખેડૂત માર્કેટ યાર્ડની બહાર એકથી વધઆરે સ્થળે પોતાનો પાક વેચી શકશે. અમારા મત અનુસાર આના કારણે ખેડૂતોની આવકમાં વૃદ્વિ જોવા મળશે.
તેઓ અનુસાર, હંમેશા જ્યારે નવા રિફોર્મ અમલમાં આવે છે ત્યારે તેનો ટ્રાન્ઝિશન કોસ્ટ આવે છે. તેથી આવી પરિસ્થિતિમાં પછાત ખેડૂતો તેમજ ખેતમજૂરોની સામાજીક સુરક્ષા ના જોખમાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતો કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ સાથે દિલ્હી સરહદો પર છેલ્લા બે મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
(સંકેત)