Site icon Revoi.in

એશિયન દેશો સાથે કનેક્ટિવિટી અને આર્થિક એકીકરણ માટે ભારતની પ્રાથમિકતાઃ અજીત ડોભાલ

Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે કહ્યું હતું કે, આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સૌથી ગંભીર ખતરો છે અને તે કોઈપણ સ્વરૂપમાં ગેરવાજબી છે. ડોભાલે કઝાકિસ્તાનમાં ભારત અને મધ્ય એશિયાના દેશોના NSAsના સંમેલનને સંબોધિત કરતા આ વાત કહી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે,ભારત મધ્ય એશિયાના દેશોને તેમના સ્વતંત્ર ઉપયોગ માટે મફતમાં યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સંબંધિત ટેક્નોલોજી આપવા માટે તૈયાર છે.સાર્વભૌમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સ્થાપનાથી ભારત અને મધ્ય એશિયા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં વધારો થશે અને ખાસ કરીને એવા લોકોને ફાયદો થશે જેમને તબીબી સારવાર માટે ભારતની કરવી પડે છે.

NSAએ કહ્યું કે, મધ્ય એશિયાના દેશો સાથે કનેક્ટિવિટી અને આર્થિક એકીકરણ ભારત માટે પ્રાથમિકતા છે. જોકે, કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપતી વખતે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કનેક્ટિવિટીની પહેલ પારદર્શક અને સહભાગી છે. ડોભાલે કહ્યું કે, કનેક્ટિવિટી પહેલોએ તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ અને પર્યાવરણીય પરિમાણોનું પણ પાલન કરવું જોઈએ, નાણાકીય સદ્ધરતા સુનિશ્ચિત કરવી જોઈએ અને દેવાનો બોજ બનાવવો જોઈએ નહીં.

ડોવાલે મધ્ય એશિયાના પડોશીઓને ચાબહાર બંદરનો દરિયાઈ વેપાર માટે તેમજ ભારતીય કંપની દ્વારા સંચાલિત તેના શહીદ બેહેશ્તી ટર્મિનલનો ઉપયોગ કરવા આમંત્રણ આપ્યું હતું. તેમણે ચાબહાર પોર્ટને INSTCના માળખામાં સામેલ કરવા માટે સમર્થન માટે વિનંતી કરી હતી. ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન બંને ટૂંક સમયમાં INSTC માં જોડાશે. આ સાથે તમામ પાંચ મધ્ય એશિયાઈ દેશો INSTCના સભ્ય બનશે.