Site icon Revoi.in

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનો કાર્યક્રમ, ખેલાડીઓ પાસે દેશવાસીઓને અનેક આશા

Social Share

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે. આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતે ટોક્યો 2020માં 1 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા.

25 જુલાઈએ તીરંદાજીમાં દિપિકા કુમારી અને તરુણદીપ રાય રેન્કિંગ રાઉન્ડમાં ભારતને પહેલો મેડલ અપાવી શકે છે. બાદમાં, સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવાન અને અર્જુન બબુતા/રમિતા જિંદાલની જોડી મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં 27 જુલાઈના રોજ ભાગ લેશે. એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં મનુ ભાકર મેડલ અપાવી શકે છે.

6 ઓગસ્ટે નીરજ ચોપરા ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફાઈંગ રાઉન્ડ અને 8 ઓગસ્ટે ફાઇનલમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી બેડમિન્ટનમાં પીવી સિંધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ભારતને ગૌરવ અપાવી શકે છે. મીરાબાઈ ચાનુ 7 ઓગસ્ટે મહિલા કેટેગરીમાં 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. વધુમાં 27 જુલાઈથી શરૂ થનારી બોક્સિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના ગોરગાહેન અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી નિખત જરીન કરશે. પેરિસ ઓલિમ્પિક્સનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને ડીડી સ્પોર્ટ્સ 1.0 પર ઉપલબ્ધ થશે, જ્યારે ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી જિઓ સિનેમા પર થશે.