Site icon Revoi.in

ખાલિસ્તાનીઓ મામલે કેનેડાને તેની ભાષામાં ભારતનો જવાબ

Social Share

નવી દિલ્હીઃ ખાલિસ્તાન મામલે ભારત સરકારની અનેક વિનંતીઓ અને સૂચનો બાદ પણ કેનેડાનો ખાલિસ્તાન તરફી પ્રેમ ઓછો થતો જોવા મળતો નથી. કેનેડાની સરકાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓને આકર્ષવાની કોઈ તક છોડતી નથી. તાજેતરનો મામલો હરદીપ સિંહ નિજ્જરનો છે. વાસ્તવમાં કેનેડાની સંસદમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની યાદમાં મૌન પાળવામાં આવ્યું હતું, જેના જવાબમાં ભારતે પણ કેનેડાને આ જ ભાષામાં જવાબ આપ્યો છે.  કેનેડાના વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે 23 જૂને એર ઈન્ડિયા આતંકવાદી હુમલાની યાદમાં શ્રધ્ધાંજલી સભાના આયોજન કરવાની જાહેરાત કરી છે.

કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘ભારત આતંકવાદી  કૃત્યની વિરુદ્ધ છે અને આ વૈશ્વિક સંકટનો સામનો કરવા માટે તમામ દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. 23 જૂન, 2024, એર ઈન્ડિયા ફ્લાઇટ 182 (કનિષ્ક) પરના ભયંકર આતંકવાદી હુમલાની 39મી વર્ષગાંઠ છે, જેમાં 329 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામેલાઓમાં 86 બાળકોનો પણ સમાવેશ થાય છે. નાગરિક ઉડ્ડયનના ઇતિહાસમાં આ સૌથી ધિક્કારપાત્ર આતંકવાદી ઘટનાઓમાંની એક છે. 23 જૂન, 2024ના રોજ વાનકુવરમાં સ્ટેનલી પાર્કમાં એર ઈન્ડિયા મેમોરિયલ ખાતે શ્રધ્ધાંજલી સભા યોજાશે. વધુમાં વધુ સંખ્યામાં ભારતીય મૂળના લોકોએ આ કાર્યક્રમમાં આવવું જોઈએ અને આતંકવાદ સામે એકતા દર્શાવવી જોઈએ.

22 જૂન, 1985ના રોજ, એર ઈન્ડિયા ફ્લાઇટ 182 એ કેનેડાના મોન્ટ્રીયલ એરપોર્ટથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી. બીજા દિવસે એટલે કે 23 જૂન 1985ના રોજ જ્યારે પ્લેન આઇરિશ એરસ્પેસમાં ઉડી રહ્યું હતું ત્યારે એક જોરદાર વિસ્ફોટ થયો અને પ્લેનનો કાટમાળ ટુકડાઓમાં તૂટીને એટલાન્ટિક મહાસાગરમાં પડ્યો. આ હુમલો ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા ઓપરેશન બ્લુ સ્ટારનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પ્લેનમાં સવાર ક્રૂ સહિત તમામ 329 લોકો માર્યા ગયા હતા.