ભારતની વધેલીને શક્તિને કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા સક્ષમઃ PM મોદી
લખનૌઃ ભારતની વધતી શક્તિને કારણે અમે યુક્રેનમાં ફસાયેલા અમારા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સક્ષમ છીએ. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનભદ્રમાં વિશાળ રેલીને સંબોધી હતી
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત યુક્રેનમાંથી પોતાના નાગરિકોને પરત લાવવામાં કોઈ કસર છોડશે નહીં. ‘ભારતની વધતી શક્તિને કારણે અમે યુક્રેનમાંથી અમારા નાગરિકોને બહાર કાઢવામાં સક્ષમ છીએ.’ આ દરમિયાન તેમણે વિપક્ષો, ખાસ કરીને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, “જે લોકો સશસ્ત્ર દળોની બહાદુરી અને મેક ઇન ઈન્ડિયા પર સવાલ ઉઠાવે છે, તેઓ ક્યારેય દેશને મજબૂત નહીં બનાવી શકે.”
યુક્રેનમાં યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા મુદ્દે પીએમ દ્વારા બેઠકનો દોર કરવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતે છેલ્લા 24 કલાકમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી તેના 1377 નાગરિકોને બહાર કાઢ્યા છે. ભારતીયોને બહાર કાઢવાના સરકારના પ્રયાસો સમય સાથે વેગ પકડી રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મુશ્કેલીગ્રસ્ત યુક્રેનના પડોશી દેશો માટે 31 ઇવેક્યુએશન ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે અને આ દેશમાં ફસાયેલા 6300 થી વધુ લોકોને પાછા લાવવામાં આવશે. ઓપરેશન ગંગા હેઠળ આ ફ્લાઈટ્સ એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને ઈન્ડિયન એરફોર્સ દ્વારા ઓપરેટ કરવામાં આવશે.