Site icon Revoi.in

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના વિવાદ મુદ્દે ભારતનું વલણ, કહી મહત્વની વાત

Social Share

દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન મુદ્દે દુનિયાના કેટલાક દેશોએ ખુલેઆમ ઈઝરાયલને સમર્થન આપ્યું છે તો કેટલાક દેશોએ તટસ્થ રહેવાનું નક્કી કર્યું છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતે હવે આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અમે બંને પક્ષને યથાસ્થિતિમાં એકતરફી ફેરફાર ન કરવાની અપીલ કરીએ છીએ. બંનેએ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ. ભારત તરફથી યુએનમાં આ જવાબ ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ આપ્યો છે.

ભારેત ગાઝા પટ્ટીથી ઈઝરાયેલના રહેણાંક વિસ્તારો પર થનારા હુમલાની આકરી ટીકા કરી. ટી એસ તિરુમૂર્તિએ કહ્યું કે ગાઝા તરફથી થયેલા હુમલામાં અનેક લોકોના મોત થયા છે. જેમાં એક ભારતીય મહિલા સૌમ્યા સંતોષ પણ સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ભારતીય મહિલા સહિત હિંસામાં જાન ગુમાવનારા તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ ખૂની ખેલ બધ થશે.

તિરુમૂર્તિએ કહ્યું કે ભારત પેલેસ્ટાઈનની યોગ્ય માંગણીઓનું સમર્થન કરે છે અને ટુ નેશન થીયરી હેઠળ આ મામલાના ઉકેલ માટે વચનબદ્ધ છે. બેઠકમાં ભારતનો પક્ષ રજુ કરતા ટીએસ તિરુમૂર્તિએ આગળ કહ્યું કે અમે બંને પક્ષોને વધુમાં વધુ સંયમ દેખાડવા, તણાવ વધારનારી કાર્યવાહીઓથી બચવા અને પૂર્વ જેરૂસેલમ અને તેની આસપાસ હાલની યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાના પ્રયાસોથી દૂર રહેવાનો આગ્રહ કરીએ છીએ.

 

UNSCમાં તિરુમૂર્તિએ ઈઝરાયલના જેરૂસલેમને ખાસ પણ ગણાવ્યુ અને કહ્યું કે અહીં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં વિવાદ ઉકેલવા માટે પ્રત્યક્ષ અને સાર્થક વાતચીત થવી જોઈએ. તેના અભાવમાં જ બંને પક્ષોમાં તણાવ વધી રહ્યો છે. જો આ દિશામાં કામ ન થયું તો આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થશે.