Site icon Revoi.in

રફ્તારની રમતમાં પુરુષોને મ્હાત આપી રહી છે ભારતની પહેલી મહિલા સુપર બાઈક રેસર અલીશા અબ્દુલ્લા

Social Share

ભારતમાં બાઈક રેસ વધારે લોકપ્રિય રમત નથી. તેનું સૌથી મોટું કારણ આ રમતનું મોંઘું હોવું છે. જો કે ગત કેટલાકવર્ષોમાં ભારતમાં બાઈકને લઈને ક્રેજ વધ્યો છે. પરંતુ આજે પણ આપણા દેશમાં સુપર બાઈક રેસિંગની રમતમાં પુરુષોનું જ વર્ચસ્વ છે. પરંતુ આ વર્ચસ્વને તોડવામાં ભારતીય સુપર બાઈક રેસર અલીશા અબ્દુલ્લા એડી ચોટીનું જોર લગાવી રહી છે.

આમ તો દેખાવમાં સુપર બાઈક રેસર અલીશા અબ્દુલ્લા કોઈ મોડલથી ઓછી નથી. પરંતુ જ્યારે વાત બાઈક રેસિંગની આવે છે, તો તેની સામે પુરુષ બાઈક રેસર પણ ઝાંખા પડતા દેખાય છે. સુપર બાઈક રેસર અલીશા અબ્દુલ્લા સાથે જોડાયેલા કેટલીક રસપ્રદ બાબતો પર નજર કરીએ.

29 વર્ષીય અલીશા અબ્દુલ્લા ભારતની પહેલી મહિલા નેશનલ રેસિંગ ચેમ્પિયન છે. અલીશા માત્ર નવ વર્ષની વયથી જ રેસિંગ કરી રહી છે. અલીશાને તેનું પહેલું બાઈક પિતા દ્વારા ભેંટમાં મળ્યું હતું. તેણે માત્ર 11 વર્ષની વયમાં ગો-કાર્ટિંગ રેસિંગમા જીત મેળવી હતી. બાદમાં 13 વર્ષની વયે તેને એમઆરએફ નેશનલ ગો કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં જીતીને સનસનાટી મચાવી દીધી હતી અને તેના પછી તેણે પાછું વાળીને જોયું નથી. જ્યારે તે 18 વર્ષની થઈ, તો તેના પિતાએ તેને 600 સીસીનું બાઈક ભેંટમાં આપ્યું હતું.

કોલેજ સમાપ્ત થયા બાદ અલિશાએ ફોર્મુલા કાર રેસિંગ પણ શરૂ કર્યું હતું. 2004 જેકે ટાયર નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપમાં તે પાંચમા ક્રમાંકે રહી હતી. તે વર્ષે તેણે કાર રેસિંગ છોડીને બાઈક રેસિંગમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો હતો.

અલીશાના નિર્ણય બાબતે તેના પિતા કહે છે કે ફોર્મુલા કાર રેસિંગ ઘણું મોંઘું છે. બાઈક રેસિંગ તેની સરખામણીએ ઘણું સસ્તું છે. તેઓ જાણે છે કે એક બાઈક રેસરમાં શું-શું ક્વોલિટી હોવી જોઈએ. તેના માટે તેમણે અલીશાને બાઈક રેસિંગ ટ્રાઈ કરવાનું સૂચન કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે અલીશાના પિતા પણ સાત વખત નેશનલ ચેમ્પિયન રહી ચુક્યા છે.

2009ના વર્ષમાં અલીશા અબ્દુલ્લાએ એક બાઈક રેસિંગની સ્પર્ધામાં 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને પાર કરીને 12 પુરુષ બાઈક રેસરને હરાવ્યા હતા. અલીશાએ ઘણી સ્પર્ધાઓમાં પુરુષોને હરાવીને પોલ પોઝિશન પ્રાપ્ત કરી છે. એક સમયે તેની ગણતરી ભારતની બીજી સૌથી ઝડપી બાઈક રેસર તરીકે થતી હતી.