અફઘાનિસ્તાનના ભવિષ્ય પર સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રિય ભૂમિકાને ભારતનો ટેકોઃ એસ. જયશંકર
નવી દિલ્લી: ભારતનાં વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેઝે આંતરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી કે અફઘાનિસ્તાનની મદદ માટે સૌ આગળ આવે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું, કે અફઘાનિસ્તાનમાં ઉભરી રહેલી ગંભીર પરિસ્થિતિ સામે ભારત ભૂતકાળની જેમ જ અફઘાનના લોકો સાથે ઉભા રહેવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, આ ઝડપથી અને અસરકારક રીતે થયું તેની ખાતરી કરવા માટે, ભારત માને છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનમાં સારું વાતાવરણ બનાવવા માટે એક સાથે આવવું જોઈએ.
સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય બેઠકમાં માનવતાવાદી પરિસ્થિતિની અંગેની ચર્ચામાં એસ. જયશંકરે પોતાની વાત મુકતા કહ્યું હતું કે, જરૂરી છે કે માનવતાવાદી સહાયતા આપનારાઓને અફઘાનિસ્તાનમાં અવિરત, અનિયંત્રિત અને સીધી પહોંચ આપવામાં આવે.
એકવાર રાહત સામગ્રી અફઘાનિસ્તાનમાં પહોંચ્યા પછી, વિશ્વ સ્વાભાવિક રીતે ત્યાંના તમામ વર્ગોમાં માનવતાવાદી સહાયના ભેદભાવ વગર સામગ્રીનું વિતરણ થઈ શકશે. તેમણે કહ્યું કે, માત્ર સંયુક્ત રાષ્ટ્રો પાસે આવા પ્રયાસો પર નજર રાખવા અને દાતાઓને આશ્વાસન આપવાની ક્ષમતા છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારતે અફઘાનિસ્તાનના ભવિષ્ય પર સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રિય ભૂમિકાને સતત ટેકો આપ્યો છે અને વૈશ્વિક સર્વસંમતિ બનાવવા અને સંયુક્ત પ્રયાસોને પ્રોત્સાહિત કરવામાં નાના જૂથો કરતાં બહુપક્ષીય મંચ હંમેશા વધુ અસરકારક છે.
તેમણે કહ્યું કે, જેઓ અફઘાનિસ્તાનમાં આવવા અને બહાર જવા ઈચ્છે છે તેમને અવરોધ વિના આવી સુવિધાઓ આપવી જોઈએ. ભારતે અફઘાનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આજીવિકા અને મોટા માળખા માટે યોગદાન આપ્યું છે. અમારી મિત્રતા અફઘાનમાં અમે બનાવેલા વિકાસ પ્રોજેક્ટ્સમાં પ્રતિબિંબિત થાય છે, જે આજે તમામ 34 પ્રાંતોમાં અસ્તિત્વ ધરાવે છે. ભારતે અફઘાનિસ્તાનના લોકોના કલ્યાણ માટે 3 અબજ યુએસ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ભારતે વીજળી, પાણી પુરવઠો, માર્ગ જોડાણ, આરોગ્યસંભાળ, શિક્ષણ, કૃષિ અને ક્ષમતા નિર્માણના જટિલ ક્ષેત્રોમાં 500 પ્રોજેક્ટ હાથ ધર્યા છે.