દિલ્હી: ભારતનું હલકું લડાકુ વિમાન તેજસ મલેશિયાની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર માધવને રવિવારે આ માહિતી આપી હતી.વાસ્તવમાં, મલેશિયા તેના જૂના ફાઇટર પ્લેનનો કાફલો બદલવાનું વિચારી રહ્યું છે.આર માધવને કહ્યું કે,આ ખરીદીને લઈને બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર માધવને રવિવારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,ચીનના જેએફ-17 જેટ, દક્ષિણ કોરિયાના એફએ-50 અને રશિયાના મિગ-35 તેમજ યાક-130ની સખત સ્પર્ધા હોવા છતાં મલેશિયાએ ભારતીય વિમાનને પસંદ કર્યું છે.
તેમણે કહ્યું કે ભારતે સોદાના ભાગ રૂપે તેના રશિયન મૂળના Su-30 લડાકુ બેડે માટે મલેશિયામાં MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) સુવિધા સ્થાપવાની પણ ઓફર કરી છે કારણ કે યુક્રેનમાં થયેલા હુમલાને કારણે મોસ્કો સામે પશ્ચિમી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જેના કારણે રશિયાથી એરક્રાફ્ટના પાર્ટસ ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટૂંક સમયમાં ડીલ ફાઈનલ થવાની સંભાવના વ્યક્ત કરતા તેમણે કહ્યું કે મને આ અંગે ખૂબ ખાતરી છે, સિવાય કે કોઈ રાજકીય બદલાવ ન આવે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના (IAF) માટે 83 તેજસ ફાઇટર જેટની ખરીદી માટે HAL સાથે રૂ. 48,000 કરોડનો સોદો કર્યો હતો. ભારતે તેજસના Mk 2 સંસ્કરણની સાથે પાંચમી પેઢીના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) વિકસાવવા માટે USD 5 બિલિયનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે.