FY24માં ભારતનું કુલ ટોલ કલેક્શન રૂ. 64,810 કરોડે પહોંચ્યું, જેમાં 35 ટકાનો વધારો
નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં કુલ ટોલ કલેક્શન રૂ. 64,809.86 કરોડ સુધી પહોંચ્યું છે. જેમાં ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 35 ટકાનો વધારો થયો છે, અને વ્યાપારી પ્રવૃત્તિમાં તેજી આવતાં સરકારી અને ઉદ્યોગના અંદાજો કરતાં વધી ગયા.
ટોલવાળા રસ્તાઓમાં તીવ્ર વધારો અને નવા ફાસ્ટેગ વપરાશકર્તાઓના ઉમેરાને કારણે કુલ ટોલ વસૂલાત વર્ષની શરૂઆતમાં સરકાર દ્વારા નિર્ધારિત રૂ. 55,000 કરોડના અંદાજને વટાવી ગઈ છે. ફાસ્ટેગ એ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેગ છે જે વાહનોને આપવામાં આવે છે, જે ટોલ પ્લાઝા પર કેશલેસ વ્યવહારો કરે છે.
ભારતની કુલ ટોલ વસૂલાત છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 2.6 ગણી વધી છે, જે 2018-19માં રૂ. 25,154.76 કરોડ હતી. જ્યારે 2019-20માં કુલ ટોલ રેવન્યુ રૂ. 27,637.64 કરોડ, 2020-21માં રૂ. 27,923.80 કરોડ, 2021-22માં રૂ. 33,907.72 કરોડ અને 2022-23માં રૂ. 48,028.22 કરોડ હતી.
સરકારનો અંદાજ છે કે, ભારતમાં કુલ ટોલ વસૂલાત 2024-25માં રૂ. 70,000 કરોડને વટાવી જવાની અને 2029-30 સુધીમાં રૂ. 1,30,000 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) આગામી લોકસભા ચૂંટણી પછી 2024-25 માટે નવા ટોલ દરો જાહેર કરશે.
ચૂંટણી પંચ (EC) એ ગયા અઠવાડિયે રાજ્યની માલિકીની હાઇવે ઓથોરિટીને હાઇવે પર નવા ટોલ દરોની ગણતરી સાથે આગળ વધવા કહ્યું હતું, જે સામાન્ય રીતે દેશના મોટાભાગના ટોલ હાઇવે પર 1 એપ્રિલથી વાર્ષિક ધોરણે લાગુ કરવામાં આવે છે. પરંતુ કમિશને કહ્યું કે નવા યુઝર ચાર્જીસનો અમલ ચૂંટણી પરિણામો જાહેર થયા પછી જ થવો જોઈએ.