- ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ
- સૂર્યકુમાર યાદવ-પૃથ્વી શો ઈંગ્લેન્ડ પહોંચશે
- કોલોંબોથી સીધા લંડન પહોંચશે
મુંબઈ: ભારત માટે એકેય ટેસ્ટ નહીં રમેલા સૂર્યકુમાર યાદવ અને ઓપનર પૃથ્વી શો હાલમાં શ્રીલંકામાં વન-ડે અને ટી 20 સિરીઝ રમી રહ્યા છે અને શ્રીલંકા પ્રવાસ પછી તરત તેઓ ઇંગ્લેન્ડનો પ્રવાસ કરી રહેલી વિરાટ કોહલીની ટીમના સદસ્ય બનશે. ઈંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડી ઘાયલ થતાં તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શોને તાત્કાલિક ઇંગ્લેન્ડ મોકલવામાં આવશે.
આ ઉપરાંત જયંત યાદવની પણ પસંદગી કરવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં રમી રહેલી ટીમમાં ઓપનર શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાન તાજેતરમાં ઇજાગ્રસ્ત થયા હતા. તેઓ પ્રવાસમાં આગળ રમી શકે તેમ નહીં હોવાથી તેમને વતન પરત મોકલી દેવામાં આવ્યા છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની સિરીઝનો ચોથી ઓગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે. શુભમન ગિલના પગે ઇજા થઈ હતી. ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન તે ઘાયલ થયો હતો. જ્યારે આવેશ ખાન અને વોશિંગ્ટન સુંદર તાજેતરમાં જ રમાયેલી ત્રણ દિવસની વોર્મ અપ મેચ દરમિયાન ઘાયલ થયા હતા.
બીસીસીઆઈએ જાહેર કર્યું હતું કે હાલના તબક્કે સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શો તાકીદે ઇંગ્લેન્ડ પહોંચશે જ્યારે જયંત યાદવને થોડા સમય બાદ મોકલાશે. રસપ્રદ બાબત તો એ છે કે આ બંને ખેલાડી ભારતીય ટીમને બદલે કાઉન્ટી ઇલેવન માટે રમ્યા હતા. કોરોનાને કારણે કાઉન્ટી ઇલેવનના કેટલાક ખેલાડી ડરહમ પહોંચી શક્યા ન હતા જેને કારણે ભારતીય ટીમમાંથી આવેશ ખાન અને વોશિંગ્ટન સુંદર હરીફ ટીમમાં સામેલ થયા હતા અને આ જ બે ખેલાડી ઘાયલ થયા હતા.