- મુંબઈમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024’ના વિશેષ સત્રને પીએમ મોદીનું સંબોધન
- છેલ્લા 10 વર્ષમાં ફિનટેક સ્પેસમાં $31 બિલિયનથી વધુનું રોકાણ કરવામાં આવ્યુંઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈ અને પાલઘરમાં કાર્યક્રમો છે. મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024’ના વિશેષ સત્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, જે ઝડપ અને સ્કેલ ભારતના લોકોએ ફિનટેકને અપનાવ્યું છે તે બીજે ક્યાંય જોવા મળતું નથી. આનો મોટો શ્રેય અમારા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર-ડીપીઆઈને અને અમારા ફિન્ટેક્સને પણ જાય છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ‘આ ભારતમાં તહેવારોની મોસમ છે. આપણે હમણાં જ જન્માષ્ટમી ઉજવી છે, સાથોસાથે આપણી અર્થવ્યવસ્થા અને બજારોમાં પણ ઉત્સવનો માહોલ છે. આ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ આ ફેસ્ટિવ મોડમાં યોજાઈ રહ્યો છે અને તે પણ સપનાના શહેર મુંબઈમાં.
પ્રધાનમંત્રીએ કહ્યું કે એક સમય હતો જ્યારે લોકો આપણી સાંસ્કૃતિક વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા, હવે લોકો ભારતમાં આવે છે અને આપણી ફિનટેકની વિવિધતા જોઈને પણ હેરાન થઈ જાય છે. એરપોર્ટ પર ઉતરતા જ સ્ટ્રીટ ફૂડ અને શોપિંગનો આનંદ માણવા સુધી ભારતની ફિનટેક ક્રાંતિ દરેક જગ્યાએ દેખાય છે. પીએમ મોદીએ કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં ફિનટેક સ્પેસમાં $31 બિલિયનથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. અમારા ફિનટેક સ્ટાર્ટઅપ્સ 10 વર્ષમાં 500% વધ્યા છે. સસ્તા મોબાઈલ ફોન, સસ્તા ડેટા અને ઝીરો બેલેન્સ જન ધન બેંક ખાતાઓએ ભારતમાં કમાલ કરી છે. માત્ર એક દાયકામાં ભારતમાં બ્રોડબેન્ડ યુઝર્સ 6 કરોડથી વધીને લગભગ 94 કરોડ થઈ ગયા છે.