Site icon Revoi.in

માલદીવમાં પણ શરૂ થશે ભારતનું UPI, રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુએ લીધો નિર્ણય

Social Share

નવી દિલ્હીઃ માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુએ તેમના દેશમાં ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ – UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે જાહેરાત કરી છે કે કેબિનેટની ભલામણ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાથી માલદીવની અર્થવ્યવસ્થાને નોંધપાત્ર લાભ થવાની અપેક્ષા છે, જેમાં નાણાકીય સમાવેશ વધારવો, નાણાકીય વ્યવહારોની કાર્યક્ષમતામાં સુધારો કરવો અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનો સમાવેશ થાય છે.

માલદીવમાં UPI સુવિધાના અમલ પછી, ભારતીય પ્રવાસીઓ ચલણ વિનિમયની મુશ્કેલી વિના UPI- સક્ષમ એપ્સ દ્વારા ભારતીય રૂપિયામાં વ્યવહાર કરી શકશે. આ સંદર્ભે પ્રમુખ ડૉ. મુઇઝુએ માલદીવમાં UPI શરૂ કરવા માટે એક કન્સોર્ટિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે એવું પણ સૂચન કર્યું કે દેશમાં કાર્યરત બેંકો, ટેલિકોમ કંપનીઓ, સરકારી માલિકીની કંપનીઓ અને ફિનટેક કંપનીઓને તેમાં સામેલ કરવી જોઈએ.

આ વર્ષે ઓગસ્ટમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની મુલાકાત દરમિયાન માલદીવમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ લાગુ કરવા માટે બંને દેશો વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત આ ચુકવણી સુવિધા UAE, શ્રીલંકા, ફ્રાન્સ, મલેશિયા, સિંગાપોર, નેપાળ, UK અને મોરેશિયસ સહિતના ઘણા દેશોમાં શરૂ કરવામાં આવી છે.