વુમન્સ એશિયા કપમાં ભારતની વિજયી આરંભ, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
નવી દિલ્હીઃ વુમન્સ એશિયા કપમાં શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પ્રથમ બેટિંગ કરતા 108 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાને લક્ષ્યાંક પાર પાડીને આસાનીથી મેચ જીતી લીધી હતી.
પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે આપેલા 109 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમે શાનદાર શરૂઆત કરી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ પ્રથમ વિકેટ માટે 85 રનની ભાગીદારી નોંધાવી હતી. સ્મૃતિ મંધાના 45 રન બનાવીને સૈયદા અરુબ શાહનો શિકાર બની હતી. જ્યારે શેફાલીએ 40 રન બનાવીને આઉટ થઈ હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહેલી પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમે 2 વિકેટ ગુમાવી હતી અને માત્ર 37 રન બનાવી શકી હતી. જોકે, બાદમાં એક પછી એક વિકેટ પડતા આખી ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે પૂજા વસ્ત્રાકર, શ્રેયાંકા પાટિલ અને રેણુકા ઠાકુરને બે-બે સફળતા મળી હતી.