1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરનો દરિયાકાંઠો સ્વદેશી ડોલ્ફિનને પસંદ પડ્યો, ઘોઘા બંદરે વિશાળ ઝુંડ જોવા મળ્યું,
ભાવનગરનો દરિયાકાંઠો સ્વદેશી ડોલ્ફિનને પસંદ પડ્યો, ઘોઘા બંદરે વિશાળ ઝુંડ જોવા મળ્યું,

ભાવનગરનો દરિયાકાંઠો સ્વદેશી ડોલ્ફિનને પસંદ પડ્યો, ઘોઘા બંદરે વિશાળ ઝુંડ જોવા મળ્યું,

0
Social Share

ભાવનગરઃ જિલ્લામાં ભાવનગરથી લઈને મહુવા સુધી દરિયા કિનારો આવેલો છે. આ દરિયા કિનારો એકંદરે શાંત ગણાતો હોય છે. ત્યારે સ્વદેશી ડોલ્ફિનને પણ ભાવેણાનો દરિયા કિનારો પસંદ પડી ગયો છે. જિલ્લાના ઘોઘા બંદરે ફરી એકવાર સ્વદેશી ડોલ્ફિનનું વિશાળ ઝુંડ જોવા મળતાં રજાની મજા માણવા આવેલાં લોકો આ સમુદ્રી શાંતિદૂતને નીહાળી રોમાંચિત થયા હતા. સાગરકાંઠા નજીક અવારનવાર આવી ચડતી દેશી ડોલ્ફિને ભાવનગરની ખાડીને હવે કાયમી વસવાટ તરીકે સ્વીકારી લીધી હોવાનું તજજ્ઞોએ જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં વસવાટ કરતી અને દરવર્ષે ચોમાસાની સિઝન પૂર્ણ થવાની તૈયારીમાં હોય એ દરમિયાન આહારની શોધમાં ડોલ્ફિનોના વિશાળ ઝુંડ અંદાજે 1500થી 2000 કિલોમીટરનો પ્રવાસ ખેડી ભાવનગરની ખાડીમાં આવે છે. આ ડોલ્ફિન ભાવનગરના દરિયાને પાર કરી છેક ખંભાત સુધી જાય છે. જ્યાં તાપી, સાબરમતી, નર્મદા, વિશ્વામિત્રી સહિતની મહાનદીઓ સમુદ્રમાં ભળે છે. આ નદીઓનાં મુખ પાસે ચોમાસાના સમયમાં ભારે પૂર સાથે પ્રચૂર માત્રામાં કાંપ સાથેના પોષકતત્વો અને અન્ય જીવ પણ ઢસડાઈને સમુદ્રમાં આવે છે. જેનો ખોરાક તરીકે ડોલ્ફિન ઉપયોગ કરે છે અને નવા આહારનો ભરપૂર માત્રામાં લુત્ફ ઉઠાવે છે.

સમુદ્રી જીવોના અભ્યાસુના કહેવા મુજબ ડોલ્ફિન માણસો સાથે સરળતાથી હળીભળી જાય છે. આથી તેને દરિયાના શાંતિદૂતની ઉપમા આપવામાં આવી છે. ચોમાસા બાદ લગભગ બે માસ જેવો સમય ભાવનગરની ખાડીમાં પસાર કર્યાં બાદ આ ડોલ્ફિન ફરી સફર શરૂ કરે છે અને પુનઃ ઊંડા દરિયામાં જતી રહે છે.  સમુદ્રી જીવો અંગે છેલ્લા એક દાયકાથી અભ્યાસ કરતાં ગુજરાત મરીન બાયોલોજીના સાયન્ટિસ્ટે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી ભાવનગર જિલ્લાના દરીયામાં આ ઈન્ડિયન ડોલ્ફિનના ઝુંડો કાયમી ધોરણે વસવાટ કરી રહ્યાં છે. તેમણે હવે લગભગ સ્થળાંતર થવાનું બંધ કર્યું છે. પાંચ વર્ષ પહેલાં ગુજરાત મરીન બાયોલોજી સોસાયટીના સભ્યોએ ઓખાના દરિયામાં એક ડોલ્ફિનના ઝુંડને પકડી એની ગતિવિધિ નોંધવા તેની પુંછડી પર માઈક્રો ચીપ લગાવી હતી. આ ઝુંડ છેલ્લા બે વર્ષથી ભાવનગરના દરિયામાં વસવાટ ધરાવે છે. આ જીવ સામાન્ય રીતે ઊંડા અને પારદર્શક પાણી ધરાવતા મહાસાગરોમાં રહેવા ટેવાયેલુ છે. ખાડીમાં દરિયો ડહોળાયેલો હોઈ આવી ખાડીમાં તેઓ સામાન્યત: પ્રવાસ એરીયા તરીકે જ આવે છે. પરંતુ ખાડીમાં બારેમાસ પોષકતત્વોની ભરમાર અને યોગ્ય વાતાવરણ મળતા આ જીવ અહીં સ્થાયી થયા હોવાનું અનુમાન લગાવી રહ્યાં છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર જિલ્લામાં 152 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, જેમાં અલંગના આઠથી નવ કિલોમીટરના વિસ્તારને બાદ કરતાં ભાવનગર બંદરથી લઈને મહુવા તાલુકાના ડોળીયા ગામના સમુદ્રમાં મુક્તપણે ડોલ્ફિનોના ઝુંડ વિચરણ કરી રહ્યાં છે. એનું મહત્વપૂર્ણ કારણ એવું પણ છે કે ખાડીમાં હેવી શિપની અવરજવર ઓછી હોય છે અને આ 152 કિલોમીટરના સમુદ્રમાં માછીમારી પણ ઓછા પ્રમાણમાં થાય છે. આથી જીજ્ઞાસુ અને સુંદર એવાં દરિયાનાં શાંતિ દૂત ડોલ્ફિનને ભાવનગરનો દરિયાકાંઠો બેહદ પસંદ પડી ગયો હોવાનું માનવામાં આવે છે. (file photo)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code