દિલ્હી:દિલ્હી એરપોર્ટ પર શુક્રવારે રાત્રે મોટી દુર્ઘટના થતા ટળી હતી.દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી.પ્લેન ટેકઓફ થતાની સાથે જ પેસેન્જરોને એરક્રાફ્ટના એન્જીનમાંથી સ્પાર્ક થતો જોવા મળ્યો હતો, ત્યારબાદ ઉતાવળમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E2131માં આ અકસ્માત થયો હતો.ઈન્ડિગોએ જારી નિવેદનમાં સમગ્ર ઘટનાને ટેકનિકલ ખામી ગણાવી છે.
અહેવાલો અનુસાર, IGIA કંટ્રોલ રૂમને શુક્રવારે રાત્રે 10.08 વાગ્યે દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E2131ના એન્જિનમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. આ પ્લેનમાં 177 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર સવાર હતા. જ્યારે એન્જિનમાં આગ લાગી ત્યારે વિમાને ઉડાન ભરી હતી. આ પછી તરત જ વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
હાલ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.પ્લેન ફરી ક્યારે ઉડાન ભરી શકશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.જો કે, આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.તે વીડિયોમાં જ્યારે પ્લેન ટેક ઓફ કરવા માટે રનવે પર દોડે છે ત્યારે અચાનક એક સ્પાર્ક થાય છે અને પછી આગની જ્વાળાઓ ઉછળવા લાગે છે.આ જોઈને પાઈલટ તરત જ વિમાનને રનવે પર જ રોકી દે છે અને તમામ લોકોને બચાવી લેવામાં આવે છે.