ઈન્દિરા ગાંધીની મુસદ્દીથી બાંગ્લાદેશને આઝાદી મળી હતીઃ કોંગ્રેસ દ્વારા ઊજવણી કરાશે
અમદાવાદઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશને વર્ષ 1971માં પાકિસ્તાનમાંથી આઝાદી મળી હતી. પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયાં છે. જેની બાંગ્લાદેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં કરવામાં આવી હતી. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. હવે કોંગ્રેસ પોતાના સુવર્ણકાળને ફરીથી તાજો બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતને મળેલી જીત અને બાંગ્લાદેશની આઝાદીની ઉજવણી કોંગ્રેસ દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.
અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી બાદ ભારતમાંથી પાકિસ્તાનનો ઉદભવ થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્યાર બાદ અનકે યુદ્ધ થયાં હતા. હાલનું બાંગ્લાદેશ પણ પાકિસ્તાનનો જ એક ભાગ હતું. તે સમયે તે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. વર્ષ 1971માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના માર્ગદર્શન હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું. તેમજ બાંગ્લાદેશની સ્થાપના થઈ હતી. તાજેતરમાં જ બાંગ્લાદેશની આઝાદીની 50મા વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ ગયા હતા. જ્યાં તેમણે બાંગ્લાદેશની આઝાદીની લડાઈની યાદો તાજી કરી હતી. હવે કોંગ્રેસે પણ બાંગ્લાદેશની આઝાદીના 50માં વર્ષની સમગ્ર દેશમાં ઉજવણીનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં કમિટીની રચના કરવામાં આવી છે.
ગુજરાતમાં આ કમિટીના કોડિનેટર તરીકે હિમાંશુભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત કમિટીમાં વડોદરાના નરેન્દ્ર રાવત, સુરતના શંભુભાઈ પ્રજાપતિ, અમદાવાદના અરવિંદ ચૌહાણ સહિત 18 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અંગે કમિટીના કોડિનેટર હિમાંશુભાઈ પટેલે રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ને જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશની આઝાદી અને 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતને મળેલી જીતની ઉજવણી કરવામાં આવશે. કોવિડની ગાઈડલાઈન અનુસાર દિલ્હીથી કોંગ્રેસના હાઈકમાન્ડની સૂચના અનુસાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી કોંગ્રેસ શાસનથી દૂર છે. તેમજ વર્ષ 2014થી કેન્દ્રમાં ભાજપની સરકાર છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જેથી કોંગ્રેસ પોતાના સુવર્ણકાળમાં કેન્દ્રની પૂર્વ કોંગ્રેસ સરકારે કરેલા કામ અને સિદ્ધીઓ દેશની જનતા સુધી પહોંચાડીને પ્રજામાં ફરીથી વિશ્વાસ સંપાદીત કરવાનો પ્રયાસ કરી રહી છે.