- ઘરના દરવાજા, બારી અને કાર પર 10 રાઉન્ડ ફાયરિંગ,
- માથાભારે શખસોએ ઘરમાં લગાવેલા સીસીટીવી પણ તોડી નાંખ્યા,
- SP સહિત પોલીસ કાફલો દોડી ગયો
સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામમાં ખનીજચોરી અંગેની ફરિયાદને લીધે અદાવત રાખીને ફરિયાદીના ઘર પર રાતના સમયે અંધાધૂંધ ફાયરિગંનો બનાવ બન્યો હતો. ઘરના દરવાજા, બારી અને કાર પર 10 રાઉન્ડ ફાયરિંગ કરીને શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ એસપી સહિત પોલીસનો કાફલો દોડી ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખનીજમાફિયાઓ બેલગામ બન્યા હોય તેમ એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. સાયલા તાલુકાના સુદામડા ગામમાં રહેતા એક પરિવાર દ્વારા ગામના કમ્બોચાળા વિસ્તારમાં કાળા પથ્થરોની ચોરી થતી હોવા અંગે કલેકટરને રજૂઆત કરી હતી. જેનો ખાર રાખી ખનીજ માફિયાઓ દ્વારા પરિવારના ઘર પર રાત્રિના સમયે અંધાધૂધ ફાયરિંગ કરાયું હતું. બનાવના પગલે સુરેન્દ્રનગર એસપી સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે દોડી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જે ઘર પર ફાયરિંગ કરાયું તેના સીસીટીવી પણ તોડી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામમાં રહેતા એક પરિવાર દ્વારા ગામ નજીક આવેલા કમ્બોચાળા વિસ્તાર પાસેથી કાળા પત્થરની ખનીજ ચોરી થતી હોવા અંગે કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. અહીંથી કાળા પથ્થરો કાઢી ખનીજમાફિયાઓ પોતાના ભરડીયામાં પથ્થરોનો ઉપયોગ કરતા હોવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જો આ ગેરકાયદે ખાણો બંધ કરાવવામાં ન આવે તો પરિવાર દ્વારા 25 સપ્ટેમ્બરથી સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ખનીજ ચોરી બંધ કરાવવા રજૂઆત કરનારા પરિવારના ઘર પર રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા આઠેક રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ઘર પર લાગેલા સીસીટીવી પણ તોડી નાખવામાં આવ્યા હતા. રાત્રિના સમયે અચાનક ફાયરિંગ થતા ઘરમાં રહેલા લોકો ફફડી ઉઠ્યા હતા. સદનસીબે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડ્યા, એલસીબી પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ, એસઓજી પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ સહિત વિવિધ પોલીસ મથકના પીઆઇ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.