ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મંગળવારે ઈન્ડોનેશિયાએ રામાયણની થીમ પર વિશેષ સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે ઈન્ડોનેશિયા દુનિયાનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો ઈસ્લામિક દેશ છે.
ભારતીય દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, આ સ્ટેમ્પની ડિઝાઈન ઈન્ડોનેશિયાના જાણીતા શિલ્પકાર બપક ન્યોમન નુઆર્તાએ તૈયાર કરી છે. આ ટપાલ ટિકિટ પર રામાયણનો પ્રસંગ અંકિત છે. જેમાં જટાયુ સીતાજીને બચાવવા માટે બહાદૂરી સાથે લડતો દેખાઈ રહ્યો છે.
ભારતીય દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, ખાસ હસ્તાક્ષરવાળી આ ટપાલ ટિકિટને જકાર્તાના ફિલેટલી સંગ્રહાલયમાં પ્રદર્શની માટે રાખવામાં આવશે.
રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં ભારતના રાજદૂત પ્રદીપકુમાર રાવત અને ઈન્ડોનેશિયાના નાયબ-વિદેશ પ્રધાન અબ્દુર્રહમાન મોહમ્મદ ફાચર સામેલ થયા હતા.
આ પ્રસંગે રાવતે કહ્યુ હતુ કે બંને દેશો વચ્ચે ગત 70 વર્ષમાં સંબંધો મજબૂત થયા છે અને મે-2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન વ્યાપક રણનીતિક ભાગીદારી સાથે આ સંબંધો એક નવી ઊંચાઈ પર પહોંચ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન 1949થી લઈને 2019 દરમિયાન ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધો સાથે જોડાયેલા ઐતિહાસિક પળોની તસવીરોની પ્રદર્શની પણ યોજાઈ હતી. તેના પછી ભારતીય ટુકડી દ્વારા સાંસ્કૃતિક નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું.
90 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયા પર રામાયણની ખૂબ ઘેરી છાપ છે. રામકથા ઈન્ડોનેશિયાના સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ છે. રામાયણને ઈન્ડોનેશિયામાં રામાયણ કકવિન (કાવ્ય) કહેવામાં આવે છે. તેના ચરિત્રોનો ઉપયોગ ત્યાં શાળામાં શિક્ષણ આપવા માટે પણ કરવામાં આવે છે.