રાજ્યનું ઔદ્યોગિક ઉત્પાદન 20 વર્ષમાં 1.27 લાખ કરોડથી વધીને 16.19 લાખ કરોડ સુધી પહોંચ્યુંઃ ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ સાણંદ ખાતે માઇક્રોન’ના સેમિકંડક્ટર પ્લાન્ટના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેટ કરેલા બેન્ચમાર્કને પરિણામે જ કોન્ટ્રાક્ટ થયાના 90 દિવસમાં જ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થઈ શક્યું છે. વડાપ્રધાનની સફળ અમેરિકા મુલાકાતને પરિણામે આજે સાણંદમાં માઈક્રોન કંપની દ્વારા સેમિકન્ડકટર ચીપ ઉત્પાદનના પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. તાજેતરમાં G20 સમિટના સફળ આયોજન અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દિલ્હી ડેકલેરેશનના તમામ મુદ્દાઓ પર સહમતી અને આફ્રિકી દેશોના સમૂહને G20માં સામેલ કરવાની સહમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે મળી છે. તેમણે કહ્યું કે, ભારતમાં ઉદ્યોગો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધિ છે અને ‘ઇઝ ઓફ ડુઈંગ’નું વાતાવરણ પણ છે. ભારતમાં યુવાનોનું વિલ અને ઝીલને કારણે વિશ્વના દેશો ભારતમાં રોકાણ અને ઉત્પાદન કરવા માટે તત્પર છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સસ્ટેનેબલ અને સ્કેલેબલ બન્યું છે એમ તેમણે ઉમેર્યું હતું
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારત અને તેમા પણ ગુજરાત રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. ગુજરાતના ‘મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ બનવાના મૂળમાં નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી વાઇબ્રન્ટ સમિટ છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતના વિકાસ માટે ગેઇમ ચેન્જર સાબિત થઈ છે. વાયબ્રન્ટ સમિટને કારણે ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક પ્રગતિથી દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8% છે. જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 18% છે. તેમણે ઉમેર્યું કે રાજ્યનું કુલ ઔદ્યોગિક ઉત્પાદન છેલ્લા 20 વર્ષમાં 1.27 લાખ કરોડથી વધીને 16.19 લાખ કરોડ સુધી પહોંચ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટના બે દાયકા પૂર્ણ થવા સમયે જ ગુજરાત સેમિકંડક્ટર ક્ષેત્રે આગવું પગલું ભરી રહ્યું હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ સાણંદમાં માઇક્રોનના પ્લાન્ટના ભૂમિપૂજનને ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો. સાથોસાથ વાયબ્રન્ટના 20 વર્ષ પુરા થવાને ‘સમિટ ઑફ સક્સેસ’ તરીકે ઉજવણી વડાપ્રધાનની ઉપસ્થિતિમાં થશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વાઇબ્રન્ટની સફળતાની આ શૃંખલામાં જાન્યુઆરી-2024માં યોજાનારી વાયબ્રન્ટ સમિટની થીમ ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ રાખવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, માઇક્રોન અને સરકાર વચ્ચે થયેલા MOUના ત્રણ મહિનામાં જ અહીં ખાતમુહૂર્ત થઈ રહ્યું છે.
આ ઝડપ માત્ર ગુજરાતમાં જ શક્ય છે કારણ કે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરેલા બેંચમાર્ક સમાન પ્રોએક્ટિવ પોલિસી, ગુડગવર્નન્સ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ ઉપરાંત ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ હોવાને કારણે આ શક્ય બન્યું છે. માઇક્રોનનો પ્લાન્ટ શરૂ થવાથી ગુજરાત આવનારા સમયમાં સેમિકંડક્ટર અને ચીપ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ માઇક્રોન પ્લાન્ટના ખાતમુહૂર્તને સેમિકંડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની શરૂઆત ગણાવી તેમણે કહ્યું કે, આ પ્લાન્ટથી આગામી વર્ષોમાં 20 હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે. સાથોસાથ સાણંદની આસપાસના વિસ્તારમાં વૈશ્વિક સ્તરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. એમ તેમણે ઉમેર્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા માટે રાજય સરકાર મક્કમતાથી પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે, આઝાદીના અમૃતકાળમાં ભારતને પાંચ ટ્રીલિયન ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનના લક્ષ્યની દિશામાં આગળ વધવાનો ગુજરાતે નિર્ધાર કર્યો છે. દેશમાં ગુજરાતને સેમિકંડક્ટરનું લીડર બનવાનું છે. આવનારા સમયમાં નવી ટેકનોલોજી અને નવા ક્ષેત્રો માટે સજ્જ કરવાનો સંકલ્પ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય આઈ.ટી. અને રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ પ્લાન્ટના નિર્માણ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી આપી છે. છેલ્લા 9 વર્ષમાં થયેલી ભારતની પ્રગતિની વાત કરતા તેમણે કહ્યું કે, 2014માં મોબાઇલ ફોનનું મેન્યુફેક્ચરિંગ 17 હજાર કરોડ હતું જે આજે 22 ગણું વધીને 3.65 લાખ કરોડ થયું, પહેલા મોબાઈલનું એક્સપોર્ટ 7 હજાર કરોડનું હતું જે આજે 13 ગણું વધીને 91 હજાર કરોડ થયું છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પહેલા 1.90 લાખ કરોડનું હતું જે આજે 8.30 લાખ કરોડ પર પહોંચ્યું છે. વૈષ્ણવે ઉમેર્યું કે, એમઓયુના ૯૦ દિવસમાં જ બાંધકામની શરૂઆત થવી એ ગુજરાતની ડબલ એન્જીન સરકારની ઝડપ છે.
તેમણે કહ્યું કે, આ પ્લાન્ટના નિર્માણથી વડાપ્રધાનએ આગામી સમયમાં ભારતને સેમિકંડક્ટરનું હબ બનાવવાની ગેરેન્ટી આપી છે. અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેશનને સાણંદ સ્ટોપેજ આપવાની સાથે આગામી સમયમાં સાણંદને વર્લ્ડકલાસ રેલ કનેક્ટિવિટીથી જોડવાની જાહેરાત પણ તેમણે કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત પ્રતિદિન નવા આયામો રચી રહ્યું છે. તાજેતરમાં સ્વતંત્ર ભારતમાં નિર્મિત અત્યાધુનિક સંસદ ભવનનું લોકાર્પણ થયું, મહિલા અનામત બિલ પસાર થયું અને તાજેતરમાં જ ભારતમાં નિર્મિત આઈફોન 15નું વેચાણ થવું તે તમામ ભારતીયો માટે ગર્વની વાત છે. ત્યારે આજે માઇક્રોન પ્લાન્ટના ખાતમુહૂર્તથી ભારતને સેમિકંડક્ટર દેશ બનાવવાંના અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે. એમ તેમણે ઉમેર્યું હતું.