જામનગરઃ દેશમાં કોલસાની ઊભી થયેલી કૃત્રિમ અછતને લીધે વીજળીના ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે. જેના લીધે ઉદ્યોગોને વીજળી કાપ વેઠવાનો વારો આવ્યો છે. જામનગરના જીઆઇડીસી કનસુમરા પાટીયા પાસે ઉદ્યોગમાં કામ કરતા ઉદ્યોગકારો તેમજ પરપ્રાંતીય 300થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા અને હાઇવે જામ કર્યો હતો. પીજીવીસીએલ દ્વારા વીજળી ન આપતા તમામ લોકો રસ્તા પર ઉતર્યા હતા. જેથી ટ્રાફિક જામના સર્જાયો હતો.
જામનગરના જીઆઇડીસી ફેઝ થ્રી કનસુમરા પાટીયા પાસે ઉદ્યોગ નગર આવેલો છે. જ્યાં છેલ્લા 4-5 દિવસથી વીજળી ન હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી આજે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો તથા કારીગરો હાઈવે પર ઉતરી ચક્કજામ કરી દીધો હતો. જેથી પોલીસ દોડી હતી અને રસ્તો રોકેલા કારીગરો તથા ઉદ્યોગકારોને ત્યાંથી હટાવ્યાં હતા. જે બાદ રસ્તો રાબેતા મુજબ ચાલુ થયો હતો. જીઆઈડીસીમાં વીજળી કાપ શા માટે મુકવામાં આવ્યો છે. તેની કામદારોને પણ કંઈજ ખબર નથી. ઉદ્યોગકારો પણ વીજળીમાં શા માટે કાપ મુકવામાં આવ્યો તેની પીજીવીસીએલમાં પૂછપરછ કરી રહ્યા છે. જોકે સૂત્રોના કહેવા મુજબ રાજકોટ સહિત અન્ય શહેરોના ઉદ્યોગોમાં વીજળીનો આટલો કાપ મુકાયો નથી.