નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનવા જઈ રહી છે. જેડીયુએ પણ આમાં સમર્થન આપ્યું છે. દરમિયાન જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ શનિવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ‘ઈન્ડી ગઠબંધન દ્વારા સીએમ નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી. નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ અને એનડીએ સાથે જ રહેશે.
લોકસભાની ચૂંટણી પહેલા જ ચંદ્રબાબુ નાયડુની પાટી ડીટીપી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાડી નીતિશકુમારે એનડીએ સાથે ગઠબંધન કર્યું હતું. એટલું જ નહીં તેમણે એનડીએ સાથે મળીને જ પોતાના રાજ્યમાં ચૂંટણી લડી હતી. લોકસભાની ચૂંટણીમાં એનડીએને 293 જેટલી બેઠકો સાથે બહુમતી મળી હતી. જ્યારે ઈન્ડી ગઠબંધનને 233 જેટલી બેઠકો મળી હતી. પરિણામ જાહેર થતાની સાથે જ એનડીએ અને ઈન્ડી ગઠબંધન દ્વારા સરકાર રચવા માટે કવાયત શરૂ કરી હતી.
જેના ભાગરૂપે ઈન્ડી ગઠબંધનના નેતાઓએ નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કર્યો હતો. જેના પરિણામે ભારતીય રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જો કે, તમામ અટકળોને ફગાવીને બંને નેતાઓએ પોતાની પાર્ટી એનડીએ સાથે જ હોવાનો સ્વિકાર કર્યો હતો. એટલું જ નહીં પાર્ટી દ્વારા નવી સરકારની રચના કરવા માટે એનડીએને સહમતીપત્ર પણ આપ્યું હતું. આમ તમામ કવાયત બાદ એનડીએએ સરકાર રચવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં એનડીએના સંસદીય દળની બેઠકમાં પોતાના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરી હતી. દરમિયાન ઈન્ડી ગઠબંધનને નીતિશ કુમારને કરેલી ઓફર અંગેના જેડીયુ નેતા કે.સી.ત્યાગની નિવેદન બાદ ફરી એકવાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે.