એક તરફ NDA સરકાર બનાવવા જઈ રહી છે તો, બીજી તરફ વિપક્ષોએ સરકાર બનાવવાના પ્રયાસો અટકાવી દીધા છે. I.N.D.I.A. ગઠબંધનના વિવિધ રાજકીય પક્ષોની બેઠક મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળી હતી.. જેમાં સોનિયા ગાંધી,, જયરામ રમેશ, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી, ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સહિતના નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં ઘટક દળો વચ્ચે રાજનૈતિક સ્થિતી પર ચર્ચા થઈ અને BJP સામે લડાઈ ચાલુ રાખવા તેમજ લોકોની આકાંક્ષા પુરી કરવા યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો હતો.
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે I.N.D.I.A. ગઠબંધનની બેઠક મળી હતી. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ I.N.D.I.A. ગઠબંધનની આગળની રણનીતિ નક્કી કરવા માટે બેઠક મળી હતી. I.N.D.I.A. ગઠબંધનની બેઠક બાદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, I.N.D.I.A. ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે, BJPની નીતિઓ વિરૂદ્ધ લડતા રહીશું. I.N.D.I.A. ગઠબંધન તે તમામ રાજકીય પક્ષોનું સ્વાગત કરે છે જે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં અતૂટ વિશ્વાસ રાખે છે અને તેના આર્થિક,સામાજિક અને રાજકીય ન્યાયના ઉદ્દેશ્યો માટે પ્રતિબદ્ધ છે.
દરમિયાન 18મી લોકસભા માટે સંપન્ન થયેલી ચૂંટણી અને તેના પરિણામ આવી ગયા બાદ સરકાર રચવાની કવાયત રૂપે એનડીએના ઘટક દળોની બેઠક પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળી હતી. આ બેઠકમાં એનડીએના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. એ અંગેનો પ્રસ્તાવ પણ સર્વ સંમતિથી પસાર કર્યો છે. આ બેઠકમાં ઘટક દળોએ તેમનો સમર્થન પત્ર પણ સોંપ્યો હતો. ભાજપ અને એનડીએ દ્વારા ત્રીજી વાર સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી છે. આ બેઠકમાં ઘટક દળોના નેતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ, એકનાથ શિંદે સહિતના નેતાઓ સામેલ થયા હતા.
લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે અને તે ત્રીજીવાર સરકાર બનાવવા જઇ રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ આ રાજીનામું સ્વીકાર્યું હતું. તેમજ લોકસભા ભંગ કરવાની પણ ભલામણ પણ સ્વીકારી હતી. નવી સરકારની રચના સુધી નરેન્દ્ર મોદી કાર્યાવાહક પ્રધાનમંત્રી તરીકે કાર્ય કરશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિએ આજે કેન્દ્રીય મંત્રી પરિષદને ફેરવેલ ડિનર પણ આપશે.
કેબિનેટે બેઠકમાં રાષ્ટ્રપતિને તાત્કાલિક અસરથી 17મી લોકસભાનું વિસર્જન કરવાની સલાહ આપી છે. રાષ્ટ્રપતિએ કેબિનેટની સલાહ સ્વીકારી છે અને 17મી લોકસભાને વિસર્જન કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને તેમના અને અન્ય મંત્રીઓના રાજીનામા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરીને લોકસભાના વિસર્જનની ભલામણ કરી હતી.