રાજકોટઃ શહેરમાં વરસાદી સિઝનને લીધે વાયરલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરસાદી ભરાયેલા પાણીનો નિકાલ અને મચ્છરોના પોરા નાશ કરવા મ્યુનિ,ના આરોગ્ય વિભાગે ઝૂંબેશ આદરી છે. તેમજ શહેરમાં અખાદ્ય ફરસાણ અને મીંઠાઈના વેચાણ સામે પણ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. શહેરના કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગની ટીમો ત્રાટકી હતી અને જુદા-જુદા સ્થળેથી વાસી લોટ, ચટણી, તેલ અને મસાલા સહિત કુલ 44 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરી બે વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ ઉનાળામાં લીધેલા કેરીનો રસ, પનીર-વરિયાળીનાં નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ મ્યુનિ.ના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વાસી ફરસાણ અને મીંઠાઈનું વેચાણ કરનારા સામે ઝૂંબેશ આદરવામાં આવી છે. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરસાણ અને મીંઠાઈની દુકાનોમાં ચેકિંગ દરમિયાન કેનાલ રોડ કાપડ મિલની સામે આવેલી એક સ્વીટ માર્ટમાં તપાસ કરતાં દાઝીયું તેલ, વાસી લોટ તથા ચટણી મળી કુલ 15 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો. જયારે ગાયત્રીનગર મેઇન રોડ, જલારામ ચોકમાં આવેલા એક ફરસાણની દુકાનમાં તપાસ કરતાં વાસી ફરસાણ, વાસી લોટ, એક્સપાયર થયેલો મસાલા મળીને 7 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ બાબતે બંને વેપારીને નોટીસ અપાઇ હતી.
મ્યનિ.ના આરોગ્ય વિભાગેના સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના ઇન્દિરા સર્કલ પાસે ટેસ્ટી ખમણ, ભક્તિનગર સર્કલમાં ધારેશ્વર ફરસાણ હાઉસ, રૈયા રોડ, રેલ્વે બ્રિજ ઉપર જય ખોડિયાર વિજય ડેરી ફાર્મ, ગાયત્રીનગર મેઇન રોડ, ત્રિશૂલ ચોકમાં આવેલા ક્રિષ્ના સ્વીટ માર્ટમાં તપાસ કરી પેકેજિંગ નિયમોનું પાલન કરવા, યોગ્ય સ્ટોરેજ, લાયસન્સ સ્થળ પર દર્શાવવા માટે નોટીસ આપવામાં આવી હતી. ફૂડ અને આરોગ્ય શાખાએ ઉનાળાની સિઝનમાં જુદા-જુદા બે વિસ્તારમાંથી લીધેલા કેરીના બે રસના નમૂના સિન્થેટીક ફૂડ કલરની હાજરીના કારણે નાપાસ જાહેર થયા છે. ઉનાળામાં ધુમ વેંચાયેલા કેરીના રસના નમૂના ચોમાસામાં આવ્યા છે તો પનીરના બે નમૂના કૃત્રિમ ફેટના કારણે સબસ્ટાન્ડર્ડ અને વરિયાળીનો નમૂનો ‘અનસેફ’ જાહેર થતા આ પાંચે કેસમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત દાણાપીઠના અનીલ ચંદુભાઈ અડવાણી પાસેથી લેવામાં આવેલા ‘વરીયાળી (લુઝ)’નો નમૂનો તપાસ બાદ નોન પરમીટેડ યલ્લો કલર ઓઇલ સોલિયુબલ ડાયની હાજરી હોવાને કારણે અનસેફ ફૂડ જાહેર થયો છે. જે અંગે પણ પ્રોસિક્યુશન કાર્યવાહીની તજવીજ શરૂ કરાઇ છે. તો રામનાથપરાના હુસૈની ચોકમાંથી બોલેરો ગાડી વાહન નં. જીજે 04 એડબલ્યુ 3877 મનપા કચેરીએ લાવી ઇમ્તિયાઝ જુમાભાઇ કાનીયા પાસેથી લેવામાં આવેલ પનીર (લુઝ)માં મિલ્ક ફેટની માત્રા ધારા ધોરણ કરતાં ઓછી અને ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તથા તીલ ઓઇલની હાજરી કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે.