અમદાવાદઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ધો-1થી 5ની ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. દરમિયાન વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાના 100થી વધારે શિક્ષકો કોરના સંક્રમિત થયા હોવાનો દાવો વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કર્યો હતો. જેથી વાલીઓ અને અન્ય શિક્ષકોમાં ભય ફેલાયો છે.
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કહ્યું છે કે, અમારા અંદાજ પ્રમાણે વડોદરા જિલ્લાના આઠ તાલુકાના 107 પ્રાથમિક શિક્ષકો કોરોનાથી સંક્રમિત છે. જે પૈકીના મોટાભાગના શિક્ષકો હોમ ક્વોરેન્ટાઇન છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ઘેર જઇને પરીક્ષા લેવાની કામગીરી સોંપાતા તેમના સંપર્કમાં આવેલા અનેક બાળકો કોરોનાના કેરિઅર બન્યા હોવાની પણ દહેશત સેવાઇ રહી છે. વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાના ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા તેમને ઘેર જઇને લેવાની સૂચના આપવામાં આવી હતી. શિક્ષકે પરીક્ષાના પ્રશ્નપત્રો ઘેર આપી કલેક્ટ પણ કરવાના હતા. આ ઉપરાંત ધોરણ 6 થી 8 ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સ્કૂલમાં આવ્યા ન હોય તેમને પણ ઘેર જઇને પ્રશ્નપત્ર આપી પરત લઇ આવવા સૂચના આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં કોરોનાનું સક્રમણ વકરતા સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે. તેમજ ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પ્રથમ કસોટીની પરીક્ષા પણ ઓનલાઈન લેવામાં આવી હતી. જ્યારે આઠ શહેર ઉપરાંત રાજ્યભરમાં ધો-9થી 12ની પરીક્ષા ઓફલાઈન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.