અમદાવાદઃ શહેરમાં રઢતા ઢોર અને બિસ્માર માર્ગોને લઈને શહેરીજનો ત્રાહમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન આ બંને મુદ્દે હાઈકોર્ટમાં થયેલી પીટિશનમાં કોર્પોરેશને વિગતવાર માહિતી રજૂ કરી હતી. અમદાવાદ શહેરમાં દોઢ વર્ષના સમયગાળામાં 13 હજારથી વધારે રખડતા ઢોર પકડવામાં આવ્યાં છે. તેમજ ઢોરના માલિક પાસેથી લગભગ 74 લાખ જેટલો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે.
કેસની હકીકત અનુસાર અમદાવાદમાં કેટલાક વર્ષોથી રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. એટલું જ નહીં આ ઢોર માર્ગો ઉપર અડીંગો જમાવી દેતા હોવાથી અનેકવાર માર્ગ અકસ્માતની પણ ઘટના બને છે. તેમજ શહેરમાં મેટ્રોની કામગીરીને કારણે અનેક જગ્યાએ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત માર્ગો બિસ્માર હાલતમાં હોવાથી પ્રજા પણ ત્રાહીમામ પોકારી ઉઠી છે. દરમિયાન આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી. આ અરજીની સુનાવણીમાં મ્યુનિસિપલ કોર્પોરેશને વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો હતો.
એએમસીએ હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, રસ્તા અન્ બ્રિજોના માઈક્રો સરફેસિંગ માટે 16.58 લાખ મેટ્રિક ટન હોટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં 1 ઓક્ટોબર 2018થી 31મી જુલાઈ 2921 સુધીમાં લગભગ 15.24 લાખ મેટ્રીક ટન હોટ મિક્સ વપરાયું છે.
રખડતા ઢોર મુદ્દે કોર્પોરેશને જણાવ્યું હતું કે, શહેરમાં 1લી ફેબ્રુઆરી 2020થી 31મી જુલાઈ 2021 સુધીમાં લગભગ 13600 જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યાં છે. એટલું જ નહીં રખડતા ઢોરના માલિકો પાસેથી લગભગ 74 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. આ ઉપરાંત રખડતા ઢોરના ત્રાસને અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા અસરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે.