Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ,સુરક્ષા દળોએ ચાર આતંકીઓને કર્યા ઠાર

Social Share

શ્રીનગર : ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી છે. જિલ્લાના માછિલ સેક્ટરના કાલા જંગલમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે.

તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં કુપવાડાના માછિલ સેક્ટરના કાલા જંગલમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ PoJKથી ભારતીય સરહદ તરફ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળોએ તેમને ઠાર માર્યા હતા. સુરક્ષા દળોએ સંબંધિત વિસ્તારને ઘેરી લીધો છે. હાલ સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

આ પહેલા 16 જૂન શુક્રવારે કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવવામાં આવી હતી. શુક્રવારે સુરક્ષા દળોએ પાંચ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા. નિયંત્રણ રેખા (એલઓસી) પર રાતોરાત અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આર્મી ઓફિસર ગિરીશ કાલિયાએ કહ્યું કે એલઓસી પર જામગુંડ વિસ્તારમાં ઘૂસણખોરીની સૂચના પર સુરક્ષા દળોએ ઘણી જગ્યાએ મોરચો ગોઠવી દીધો હતો.

આ દરમિયાન રાતના એક વાગ્યે જોવા મળ્યું કે પાંચ આતંકવાદીઓ આ બાજુથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે આતંકવાદીઓને સરહદ પર આવવા માટે પડકારવામાં આવ્યા તો તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં એક પછી એક પાંચ આતંકવાદીઓ માર્યા ગયા. બીજી તરફ 13 જૂને માછિલ સેક્ટરમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા.