Site icon Revoi.in

મોંઘવારી પતંગ ઉદ્યોગને પણ નડી, ભરૂચમાં પતંગોનો ગૃહ ઉદ્યોગ હવે નામશેષ થવાને આરે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દરેક પર્વ ધામધૂમ અને આનંદોલ્લાસથી ઊજવાતા હોય છે. જેમાં ઉત્તરાણનું પર્વ એ અનોખુ પતંગોત્સવ બની રહેતું હોય છે. રાજ્યના તમામ મહાનગરોથી લઈને ગામડાંમાં પણ આકાશ રંબેરંગી પતંગોથી છવાય જતું હોય છે. દોરી-પતંગનો ઉદ્યોગ અનેક લોકોને રોજગારી પણ પુરી પાડે છે. ગુજરાતમાં ખંભાત ઉપરાંત ભરૂચ અને જંબુસરના પતંગ ખુબ વખણાય છે. ભરૂચમાં એક સમયે ખુબ જાણીતો પતંગનો ગૃહઉદ્યોગ હવે નામશેષ થવાના આરે પહોંચી ગયો છે. પતંગ બનાવતાં કારીગરોને મોંઘવારી નડી રહી છે જયારે તેમના સંતાનો પતંગ બનાવવાની કળા શીખવાના બદલે નોકરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. ભરૂચમાં 19મી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ રહયો નથી અને તેનું કારણ મોંઘવારી છે.

ગુજરાતમાં ઉત્તરાણના પર્વ પહેલા જ દોરી અને પતંગના ભાવમાં વધારો થયો છે. કાગળ સહિત રો-મટિરિયલ્સના ભાવ વધતા પતંગો ગત વર્ષ કરતા મોંઘી બની છે. તેના લીધે ખરીદદારોની સંખ્યા પણ ઘટી ગઈ છે. ખંભાત,ભરૂચ અને જંબુસરમાં પતંગો બનાવવાનો ગૃહ ઉદ્યોગ છે. જેમાં પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે. શહેરની મોટી બજારમાં આવેલા ઘોષવાડમાં રહેતા ગુલામ મહંમદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે.તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય 19મી સદી એટલે કે 200 વર્ષ જૂનો છે. મોઘવારીના આ જમાનામાં તમામ ચીજવસ્તુઓ મોંઘી બનતા પતંગવાલા પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પતંગો બનાવતા પરિવારના સભ્યોના કહેવા મુજબ હાથ બનાવટથી બનતી પતંગોનો તમામ સમાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે. શેખ પરિવારના 2 મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે, જો કે આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત અને પુરતુ વળતર ન મળતું હોવાથી ઝાઝો રસ રહ્યો નથી. એક જમાનામાં ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર 40 હજાર પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતો હતો.આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે. જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતમાં ઉપયોગમાં લેવામાં આવે છે. (file photo)