અમદાવાદ: મોંઘવારીએ માઝા મુકી છે. જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના લીધે મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, અનાજ, મરી મસાલા હોય કે શાકભાજી તમામના ભાવમાં તોતિંગ વધારો છે. જથ્થાબંધ વસ્તુઓમાં મોંઘવારીનો વૃદ્ધિનો દર 15 ટકાથી વધુના દરે નોંધાયો છે. આ આંકડો સામાન્ય પરિવારોના બજેટ ઉપર ભાર વધારી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં સામાન્ય વધારો પણ આપણા અર્થતંત્ર ઉપર મોટી અસર વર્તાવે છે. દર વખતે પેટ્રોલ અને ડીઝલમાં પૈસા પૈસાના ભાવે થતા વધારાએ એક જ વર્ષમાં પેટ્રોલનો 17.51 રૂપિયાનો વધારો જયારે ડીઝલનો 12. 47 રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે 2021 ના પ્રારંભમાં પેટ્રોલ 87. 57 રૂપિયા પ્રતિ લિટરે જયારે ડીઝલ 86. 96 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું હતું. 2020 માં પેટ્રોલ 72.51 રૂપિયા અને ડીઝલ 71.16 રૂપિયાના ભાવે વેચાતું હતું. જ્યારે આજે તો પેટ્રોલ-ડીઝલનો ભાવ સદી વટાવી ગયો છે. તેના લીધે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે.
રાજ્યમાં અસહ્ય મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. મોંઘવારીનો સૌથી વધુ ભાર ગૃહણીઓ ઉપર પડી રહ્યો છે. કરિયાણાના વેપારીઓના કહેવા મુજબ આવી મોંઘવારી તેમણે પહેલા ક્યારેય જોઈ નથી. દરેક વસ્તુઓ એક બે વર્ષમાં બમણા ભાવે વેચાઈ રહી છે. ઘઉંનો લોટ જે અગાઉ 20 રૂપિયા કિલો હતો તે હવે 40 રૂપિયા કિલો મળે છે. લાલ મરચું 150 રૂપિયા કિલો હતું તે હાલ 500 રૂપિયા કિલો છે, તેલનો 1. 5 વર્ષ અગાઉનો ભાવ 1200 રૂપિયા હતો તે હાલ 2850 ના ભાવે મળી રહ્યો છે. નિશ્ચિત રૂપે આ મોંઘવારી મુશ્કેલમાં મૂકનારી છે. રોજિંદી જરૂરિયાતમાંથી બાકાત ન કરી શકાય તેવી શાકભાજી પણ લોકોને રડાવી રહી છે. ટામેટા હાલ 70-80 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. જે માત્ર 2 -3 મહિના પહેલા 20 રૂપિયા કિલોમાં વેચાતા હતા. લીંબુ 160, પરવળ 160 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. કેરીનું અથાણું બનાવવું પણ મોંઘુ પડી રહ્યું છે. કારણ કે કેરી અને ગુંદા બંને બજારમાં 100-100 રૂપિયા કિલો મળી રહ્યા છે. સાથે અથાણામાં વપરાતા તેલ અને મસાલાના ભાવમાં પણ ધરખમ વધારો છે.