Site icon Revoi.in

મોંઘવારીનો માર,પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો

Social Share

દિલ્હી:ઓઈલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.દેશની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સોમવાર એટલે કે આજરોજ દિલ્હીમાં પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે.હવે દિલ્હીમાં એક લીટર પેટ્રોલ માટે 99.41 રૂપિયા ચૂકવવા પડશે.જયારે એક લીટર ડીઝલ માટે 90.77 રૂપિયા ચૂકવવા પડશે. છેલ્લા 7 દિવસમાં આજે 6ઠ્ઠી વખત તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ સતત બીજું સપ્તાહ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 31 પૈસા વધીને 114.19 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 37 પૈસા વધીને 98.50 રૂપિયા થઈ ગઈ છે.કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 32 પૈસા અને 35 પૈસાનો વધારો થયો છે. આ પછી એક લીટર પેટ્રોલની કિંમત 108.85 રૂપિયા અને ડીઝલ 93.92 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.જો ચેન્નાઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 28 પૈસા અને 33 પૈસાનો વધારો થયો છે.એક લીટર પેટ્રોલની કિંમત વધીને 105.18 રૂપિયા પ્રતિ લીટર અને એક લીટર ડીઝલની કિંમત 95.33 રૂપિયા થઈ ગઈ છે.

તેલ કંપનીઓએ 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે 7 દિવસમાં એક લીટર પેટ્રોલની કિંમતમાં 4 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.22 માર્ચ અને 23 માર્ચે તેલની કિંમતમાં સતત બે દિવસ 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. તો 24 માર્ચે કિંમતોમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ ત્યારથી તેલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલુ છે. જેના કારણે દેશભરમાં તેલ મોંઘુ થયું છે.