દિલ્હી : વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ મોંઘવારી તેનું વાસ્તવિક સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ટામેટાં અને લીલા શાકભાજીના ભાવમાં તો વધારો થયો છે પરંતુ હવે દાળ અને ચોખા જેવી ખાદ્ય ચીજો પણ મોંઘી થઈ ગઈ છે. આ મોંઘવારીથી સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. ખર્ચમાં કાપ મુકતા લોકોની હાલત કફોડી બની છે.
જો કઠોળની વાત કરીએ તો અરહર (તુવેર) દાળના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા બે મહિનામાં અરહર દાળના ભાવમાં રૂ.40થી વધુનો વધારો થયો છે. અરહર દાળ, જે સામાન્ય રીતે 100 થી 110 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી, તે હવે દિલ્હી-NCRમાં 160 થી 170 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જો કે, કઠોળના વધતા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી કઠોળની ઓનલાઈન હરાજી કરવાની જાહેરાત કરી છે.
અરહરની સાથે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં અડદની દાળ પણ મોંઘી થઈ ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે બજારમાં અરહર અને અડદની અછત છે. છેલ્લા ત્રણ મહિનામાં અરહર દાળમાં 50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. તેવી જ રીતે અડદની દાળ પણ રૂ.30 મોંઘી થઈ છે. હવે એક કિલો અડદની દાળ માટે લોકોએ 80 રૂપિયાને બદલે 110 રૂપિયા ખર્ચવા પડશે.
ખાસ વાત એ છે કે કઠોળ અને શાકભાજીનો સ્વાદ વધારતું જીરું પણ એક મહિનામાં 200 રૂપિયા પ્રતિ કિલો મોંઘું થઈ ગયું છે. હવે ભોપાલમાં એક કિલો જીરાની કિંમત રૂ.800 થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે થોડા વર્ષો પહેલા સુધી આ જીરું 180 થી 200 રૂપિયા પ્રતિ કિલો મળતું હતું.
તેવી જ રીતે ચોખા પણ મોંધા થયા છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ચોખાના છૂટક ભાવમાં રૂ.3 થી રૂ.5 પ્રતિ કિલોનો વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે જો અલ નીનોની સ્થિતિ મજબૂત બનશે તો ડાંગરના ઉત્પાદનને અસર થશે. જેના કારણે ચોખાના ભાવમાં વધુ વધારો થશે.