બ્રિટનમાં મોંઘવારીએ પ્રજાની મુશ્કેલી વધારી, 50 ટકા લોકોએ દૈનિક આહારમાં ઘટાડો કર્યો
નવી દિલ્હીઃ બ્રિટનમાં મોંઘવારીની અસર એટલી બધી ગઈ છે કે લોકો માટે બે ટાઈમનું ભોજન પણ મુશ્કેલ બની રહ્યું છે. દેશના લગભગ અડધા પરિવારોએ તેમના દૈનિક આહારમાં ઘટાડો કર્યો છે. આ આંકડા કન્ઝ્યુમર ગ્રુપ ‘વિચ’ના સર્વેમાં સામે આવ્યા છે. યુએસ સેન્સસ બ્યુરો અનુસાર, આ વર્ષના મધ્યમાં યુકેની વસ્તી 5,59,77,178 હતી.
સર્વે રિપોર્ટ અનુસાર, આર્થિક સંકટને પગલે પહેલાની સરખામણીએ પર્યાપ્ત અને પૌષ્ટિક ખોરાક મેળવવો વધુ મુશ્કેલ બની રહ્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લગભગ 80 ટકા પરિવારો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. યુકેમાં ખાદ્ય ફુગાવો સપ્ટેમ્બરમાં 10 ટકાને વટાવી ગયો છે. બીજી તરફ રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ 12.6 ટકા પર પહોંચ્યો હતો, જે ઓગસ્ટમાં 12.3 ટકા હતો.
યુકેમાં ઉર્જાના ભાવમાં વધારાને કારણે આર્થિક કટોકટી વધુ વકરી છે. રુસ-યુક્રેન યુદ્ધના કારણે ગેસ, પેટ્રોલિયમના સપ્લાયને અસર થઈ છે. આ ઉપરાંત વીજળીના દરોમાં પણ વધારો થયો છે. ઊર્જાના ભાવમાં વધારા સાથે વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અહેવાલ મુજબ, બ્રિટનમાં આર્થિક અને ઉર્જા સંકટને કારણે લાખો લોકો આ શિયાળામાં તેમના ઘરોને પૂરતું ગરમ રાખી શકશે નહીં. આ રીતે, તેઓએ ખોરાક પર કાપ મૂકવાની સાથે શિયાળામાં ઠંડીનો માર સહન કરવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી બાદ દુનિયાના અનેક દેશો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દુનિયાના અનેક દેશોમાં હાલ મોંઘવારીએ માજા મુકી છે અને લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યાં છે.
(PHOTO-FILE)