- શ્રીલંકામાં મોંધવારી 33 ટકાને પાર
- પેટ્રોલ પ્રતિ લીટર 420 રુપિયાના દરે
દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકાની સ્થિતિ કથળી રહી છે,કટોકટીનો સામનો કરી રહેલું શ્રીલંકા હાલ દયનિય હાલતમાંથી પસાર થઈ રહ્યું છે.ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિમાં સુધારો થવાના હાલ તો કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી ઉપરથી મોંઘવારી સાતમા આસમાને પહોંચી ચૂકી છે
શ્રીલંકામાં એપ્રિલ મહિનામાં ફુગાવો એક વર્ષ અગાઉની સરખામણીએ વધીને 33.8 ટકા થઈ ચૂક્યો છે. શ્રીલંકાના સેન્સસ એન્ડ સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટે વિતેલા દિવસને મંગળવારે જણાવ્યું હતું કે એપ્રિલ 2022માં ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો 33.8 ટકા હતો, જે એક વર્ષ અગાઉના 5.5 ટકા કરતાં છ ગણો વધુ હતો.
આ સાથે જ શ્રીલંકામાં ખાદ્ય મોંઘવારી પણ એપ્રિલમાં 45.1 ટકાના ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને ફુગાવામાં આ તીવ્ર વધારો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકારે પેટ્રોલના છૂટક ભાવમાં 24.3 ટકા અને ડીઝલના ભાવમાં 38.4 ટકાનો ભારે વધારો કરવાની જાહેરાત કરી છે. ઇંધણ ઉત્પાદનોની તીવ્ર અછતનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે.
પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોચ્યા
19 એપ્રિલ બાદ શ્રીલંકાની સરકારે બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા બાદ શ્રીલંકામાં પેટ્રોલની કિંમત 420 રૂપિયા અને ડીઝલની કિંમત 400 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીનું સૌથી ઉંચુ સ્તર છે.
સરકારી પેટ્રોલિયમ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને પેટ્રોલના ભાવમાં 82 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 111 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.