અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસામાન્ય વધારાને લીધે જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ અસહ્ય વધારો થયો છે. ત્યારે મોંઘવારીમાં ભીસાતા આમ આદમીને વધુ એક ડામ લાગ્યો હોય તેમ ખાદ્યતેલોમાં ફરી વખત ભડકો સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં તમામ ખાદ્યતેલમાં રૂા. 30 થી માંડીને રૂા. 100 સુધીનો વધારો થઇ ગયો છે. માલ ખેંચની સ્થિતિ સર્જાવાની આશંકા વચ્ચે આવતા દિવસોમાં હજુ વધુ ભાવ વધારો થઇ શકે એવું તેલ મિલરો કહી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં ખાદ્ય તેલોની જંગી આયાત થાય છે અને તેમાંથી 45 ટકા આયાત માત્ર ઇન્ડોનેશીયાથી જ થાય છે. આવા સમયે ઇન્ડોનેશીયાએ પામતેલની નિકાસ પર પ્રતિબંધ મુકી દેતા ભારતમાં પામતેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઇન્ડોનેશીયાથી માલ આવતો બંધ થાય તો અછતની સ્થિતિ સર્જાવાની દહેશત છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ઇન્ડોનેશીયાએ પામતેલની નિકાસ પર મુકેલા પ્રતિબંધ પાછળનું કારણ લોકલ સપ્લાય ખેંચનું છે. વિશ્વભરમાં પામતેલનું જંગી ઉત્પાદન ધરાવતા ઈન્ડોનેશીયામાં કામદાર હડતાલને કારણે પામતેલના ઉત્પાદનને મોટો ફટકો પડયો છે અને તેના કારણે ત્યાં માલખેંચ સર્જાતા અને ભાવ ઉંચકાતા લોકલ ઉહાપોહ સર્જાયો છે. આ સ્થિતિને ડામવા માટે સરકારે નિકાસ અટકાવી છે. કામદાર હડતાલનો ઉકેલ આવી જાય તો ફરી વખત નિકાસ શરૂ થઇ શકે છે. આ સંજોગોમાં નિકાસબંધી કયાં સુધી રહે છે તેના પર ભારતમાં તેજી-મંદીનો આધાર રહેવાની શકયતા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટમાં લગભગ તમામ ખાદ્ય તેલ 10 થી 30 રૂપિયા સુધી ઉંચકાયા હતા. ગઇકાલે મોડી સાંજે પણ 20 થી 70 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો હતો. સિંગતેલ ડબ્બો 20ના સુધારાથી 2800ના સ્તરે પહોંચી ગયો હતો. કપાસીયા તેલ ડબ્બો 10 વધીને 2730 હતો. પામોલીનમાં 30 રૂપિયાનો ભાવ વધારો થયો હતો અને ડબ્બાનો ભાવ 2525-2530 થયો હતો. આ સિવાય સોયાબીન, મસ્ટર્ડ વગેરે તેલમાં પણ 10 થી 20 રૂપિયાનો ભાવ વધારો થયો હતો.