Site icon Revoi.in

મોંઘવારીએ માઝા મુકી, બહેનોએ ભાઈઓ માટે રાખડી મોંઘા ભાવે ખરીદવી પડશે

Social Share

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તમામ ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીએ માઝા મુકી છે. ઓગસ્ટમાં તહેવારો મોસમ શરૂ થઈ રહી છે. ભાઈ-બહેનોનું પર્વ રક્ષાબંધન પણ આ જ મહિનામાં આવશે અને રાખડીના વેપારીઓ આના માટે અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા છે. રાખડીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે, કોવિડને કારણે દોરા, સ્ટોન, પેકેજિંગ મટીરિયલ સહિતના કાચા માલમાં ભાવ વધી જવાથી આ વર્ષે રાખડીની કિમતમાં 10-15 ટકા  જેવો વધારો થવાની શક્યતા છે. 2020માં કોરોનાએ રક્ષાબંધન પર રાખડીના વેપારને મોટી અસર કરી હતી, પણ વેપારીઓને આશા છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બિઝનેસ 50 ટકા જેટલો વધશે.

રાખડીનો વેપાર કરતા વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે રાખડી બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવમાં વધારો થયો છે. રાખડી તૈયાર કરવા માટેના દોરા, સ્ટોન, મોતી, ઉપરાંત પેકિંગ કરવા માટેના બોક્સના ભાવમાં 15-20 ટકા જેવો ભાવવધારો થયો છે, જેની અસર રાખડીના ઉત્પાદન પર પણ જોવા મળી રહી છે. આ વર્ષે 60-70 ટકા રાખડીનું ઉત્પાદન થયુ છે. પરિણામે, નવા કાચા માલથી તૈયાર થયેલી રાખડીના ભાવમાં 10-15 ટકા ભાવ વધી શકે છે, જેની સામે મોટા ભાગના વેપારીઓ પાસે ગયા વર્ષનો કાચો માલ અને તૈયાર રાખડીઓનો જથ્થો હતો. જૂનો માલ પડ્યો હોવાથી ઉત્પાદકોને થોડી રાહત મળી છે, પણ તેની સામે ટ્રાન્સપોર્ટ સહિતની અન્ય કોસ્ટ વધી છે, એટલે બહુ ખાસ ફરક નહીં પડે.

અમદાવાદ હોલસેલ રાખડી વેપારી એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 22 જેટલા મોટા હોલસેલ રાખડીના વેપારી છે, જ્યારે રાજ્યભરમાં અંદાજે 100 જેટલા મોટા હોલસેલ રાખડીના વેપારી છે. કોરોનાને કારણે આ તમામ વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. ગત વર્ષે અંદાજે 50-60 ટકા રાખડીનું ઉત્પાદન થયું, જ્યારે રૂ. 10 કરોડનું ટર્નઓવર હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે સ્થિતિ થોડી સુધારી છે, એને જોતાં આ વર્ષે વેપાર રૂ. 15 કરોડ સુધી પહોંચે તેવી આશા છે. સામાન્ય વર્ષોમાં રાખડીના ઉત્પાદનના આધારે ટર્નઓવર થતું હોય છે, જેમાં સરેરાશ 20-25 કરોડનું ટર્નઓવર થતું હોય છે. જોકે હાલ કોવિડને કારણે થોડો ડરનો માહોલ છે, જેથી બજારમાં 45-50%નો વેપાર છે. જોકે પ્રવીણ રાખડીના પ્રિયાંક ઠક્કરનું કહેવું છે કે આ વર્ષે ટાર્ગેટ પૂરો થઇ શકે છે.