Site icon Revoi.in

દેશની જનતાને મોંઘવારીમાં રાહતઃ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો

Social Share

નવી દિલ્હીઃ મોંઘવારીના મોરચે રાહતના આંકડા બહાર આવ્યા છે. માર્ચ મહિનામાં દેશમાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો હતો. માર્ચમાં રિટેલ મોંઘવારી દર 15 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. રિટેલ મોંઘવારી દર ઘટીને 5.66 ટકા પર આવી ગયો છે. મુખ્યત્વે સસ્તી ખાદ્ય ચીજવસ્તુઓના કારણે મોંઘવારી ઘટી છે. માર્ચ માટે ફુગાવાનો આંકડો આરબીઆઈના 6 ટકાના સંતોષકારક સ્તરની ઉપરની મર્યાદાની અંદર છે.

RBIને ફુગાવાને 2 થી 6 ટકાની વચ્ચે રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત છૂટક ફુગાવો ફેબ્રુઆરી 2023માં 6.44 ટકા અને એક વર્ષ અગાઉ માર્ચમાં 6.95 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના જણાવ્યા અનુસાર માર્ચમાં ખાદ્ય ચીજોનો ફુગાવો 4.79 ટકા હતો. ફેબ્રુઆરીમાં આ આંકડો 5.95 ટકા અને એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 7.68 ટકા હતો. અનાજ, દૂધ અને ફળોના ભાવમાં વધારાને કારણે રિટેલ ફુગાવો ડિસેમ્બર 2022માં 5.7 ટકાથી વધીને ફેબ્રુઆરી 2023માં 6.4 ટકા થવાનો અંદાજ હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નાણાકીય વર્ષ 2023-24માં કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ આધારિત ફુગાવો 5.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉના મહિનાઓમાં ફુગાવાના આંકડા અનુસાર, છૂટક ફુગાવાનો દર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 7.41%, ઓક્ટોબરમાં 6.77%, નવેમ્બરમાં 5.88%, ડિસેમ્બરમાં 5.72%, આ વર્ષે જાન્યુઆરીમાં 5.72%, ફેબ્રુઆરીમાં 5.72% હતો.

પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જો કે, મોંઘવારીમાં જનતાને મોટી રાહત મળી છે અને સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થયો છે.