Site icon Revoi.in

મોંઘવારીમાં પીસાતી POKની જનતા રસ્તા ઉપર ઉતરી, લોકોએ સુરક્ષાદળોનો પીછો કરીને માર માર્યો

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. સરકારનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ ગોળીબારના અહેવાલો પણ છે. પાકિસ્તાનના અત્યાચાર સામે મોટી સંખ્યામાં કાશ્મીરીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ પ્રદર્શન વધતી મોંઘવારી, ભારે ટેક્સ અને વીજળીની અછતને કારણે કરવામાં આવી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે જનતા અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેની અથડામણમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પીઓકેના લોકોએ મોંઘવારીને પગલે જોરદાર વિરોધ કરવાની યોજના બનાવી હતી, પરંતુ એક દિવસ પહેલા જ મુઝફ્ફરાબાદમાં વધારાના પોલીસ દળો બોલાવવામાં આવ્યા હતા અને લોકોની અટકાયત શરૂ કરવામાં આવી હતી. જેના પછી લોકોનો ગુસ્સો ભડકી ગયો હતો. આ સિવાય દડિયાલ, મીરપુર અને સમહાની, રાવલકોટ સહિત પીઓકેના અન્ય ભાગોમાંથી અથડામણના અહેવાલો આવ્યા હતા.

અહેવાલો અનુસાર, પાકિસ્તાની દળોએ પીઓકેના મીરપુર જિલ્લામાં 70 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ પછી ગુસ્સે ભરાયેલી ભીડ રસ્તા પર ઉતરી આવી હતી. ધરપકડના વિરોધમાં, સામાન્ય લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો અને ઘણી જગ્યાએ અથડામણ થઈ હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ અનુસાર આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટીએ પાકિસ્તાન સરકાર પર દબાણ લાવવા માટે સામાન્ય હડતાલ બોલાવી હતી. જેમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળનો પણ સમાવેશ થાય છે. સમિતિએ ઈસ્લામાબાદ સરકાર પર સમજૂતીઓ પૂરી ન કરવાનો આરોપ લગાવ્યો છે. મુઝફ્ફરાબાદમાં હડતાળ દરમિયાન, પોલીસે ટીયર ગેસના શેલ છોડવા અને ગોળીબાર કર્યો હતો.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે 3 બિલિયન ડોલરની લોન મંજૂર કરતી વખતે કડક શરતો લાદી હતી, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. વીજળીના દરમાં વધારાને કારણે સમસ્યાઓ વધી છે અને પાકિસ્તાનમાં લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે.