અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં દિનપ્રતિદિન મોંધવારી વધી રહી છે. તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉત્તરાણના પર્વ પહેલા પતંગ અને દોરીના ભાવમાં પણ બમણો વધારો થયો છે. એટલે પતંગરસિયાઓને આ વખતે પતંગો ચગાવવી મોંધી પડશે. દોરીને રંગાવવા (પીવડાવવા)ના ભાવમાં પણ વધારો થયો છે, 20 રૂપિયા પ્રતિવારને બદલે હવે 50 રૂપિયા પ્રતિવાર દોરી ઘસવાનો ભાવ જઈ પહોંચ્યો છે.
ગુજરાતમાં ઉતરાણ પર્વનું અનેરૂ મહાત્મ્ય છે. અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં હજારો પતંગરસિયાઓ પતંગો ચગાવવાની મોજ મહાણતા હોય છે. સામાન્ય રીતે ડિસેમ્બરના અંતથી જ ઉતરાયણની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. દોરી-પંતગની રંગત જમાવવા માટે દુનિયાભરના પતંગ રસિયાઓ પણ અમદાવાદના આંગણે યોજાતા કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવે છે. એટલું જ નહીં ઉતરાયણ માટે માંજો ઘસવા માટે યૂપી-બિહાર અને બંગાળ સહિતના રાજ્યોમાંથી કારીગરો અહીં આવી જતા હોય છે. ત્યારે આ વખતે દોરી-પતંગની રંગત પતંગ રસિયાઓના ખિસ્સા પર વધારે ભાર આપશે. એટલે કે, આ વખતે ઉતરાયણ પહેલાં કરતા મોંઘી થશે. વધતી મોંઘવારીની અસર હવે ઉતરાયણના પર્વ પર પણ જોવા મળશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉતરાયણ નજીક આવતા પતંગ અને દોરીની કિંમતમાં વધારો થયો છે. 20 રૂપિયા પ્રતિવારને બદલે હવે 50 રૂપિયા પ્રતિવાર દોરી ઘસવાનો ભાવ વધ્યો છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કારીગરો દોરી ઘસતા હોય છે. લૂગદીમાં ભાત, કાચ અને રંગ મિક્સ કરીને દોરી ઘસવામાં આવે છે. દોરી ઘસતા કારીગરોએ પણ મોંઘવારીના કારણે પોતાનું મહેનતાણું વધારી દીધું છે. ઉતરાયણ અન્ય રાજ્યોના કારીગરો માટે રોજગારીની તક સાબિત થાય છે, જેમ જેમ ઉતરાયણ નજીક આવશે તેમ દોરી અને પતંગ મોંઘા થશે. હાલ 50 રૂપિયામાં ઘસાતી દોરી, ઉતરાયણ આવતા સુધીમાં પ્રતિવાર 100 રૂપિયા સુધી જઈ પહોંચે તો નવાઈ નહીં,
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારોમાં અવનવા પતંગ આવી ચૂક્યા છે. પતંગ સાથે જ દોરીની પણ ખરીદી પતંગરસિયાઓ મન મૂકીને કરી રહ્યા છે. અનેક પતંગબાજો દોરી ઘસાવતા હોય છે, ઉતરાયણમાં દોરી ઘસાવવાની પણ એક અનોખી મજા છે. પણ આ વખતે દોરી અને પતંગના વધુ ભાવ ચૂકવવા પડશે. પતંગના એક કોડીના ભાવમાં વધારો થયો છે. આ વખતે પતંગોની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. પતંગ બનાવતા કારીગરોના કહેવા મુજબ પતંગના કાગળના ભાવમાં વધારો થયો હોવાથી અમારે ભાવ વધારવાની ફરજ પડી છે.