અમદાવાદઃ ગુજરાતમાં લાંચ રૂશ્વતના બનાવો વધતા જાય છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને લાંચ માગનારા કર્મચારી સામે નાગરિકો ભય રાખ્યા વિના ફરિયાદ કરી શકે તે માટે તમામ સરકારી કચેરીઓમાં એન્ટી કરપ્શન બ્યુરોના નામ-સરનારા ફોન નંબર સાથેના બોર્ડ લગાવવામાં આવે છે. આથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની કચેરીના તમામ વિભાગોમાં પણ આવા બોર્ડ લગાવવા માટે મ્યુનિ.કમિશનરે ખાસ સુચના આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એએમસીની મુખ્ય ઓફિસ, ઝોનલ ઓફિસો, સબ ઝોનલ ઓફિસો અને તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસોમાં લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો (એન્ટી કરપશન બ્યુરો)ના બોર્ડ લગાવવા માટેની સૂચના આપવામાં આવી છે. મ્યુનિ.કમિશનરના આદેશથી એએમસીના તમામ વિભાગોની ઓફિસમાં ACBના બોર્ડ લગાવવામાં આવશે. આ મામલે પરિપત્ર કરી તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના વિભાગોના વડાઓને પરિપત્ર કરી જાણ કરવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ઓફિસો બહાર જાહેર જનતાની જાણ માટે એસીબીના બોર્ડ લગાવવામાં આવે. લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોના બોર્ડમાં જો કોઈ સરકારી વ્યક્તિ ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરે અથવા કરાવડાવે તો તે ગુનો બને છે. લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો ઓફિસનો સંપર્ક કરવો, બોર્ડમાં એસીબી ઓફિસનું સરનામું અને ટોલ ફ્રી નંબર પણ લખવામાં આવ્યો છે. આવા બોર્ડ હવેની તમામ ઓફિસોમાં લગાવવામાં આવશે અને જો કોઈ મ્યુનિ.નો કર્મચારી કે અધિકારી લાંચ માગે તો નાગરિકો એસીબીનો સંપર્ક કરી શકે છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ ગવર્નન્સ વિભાગ દ્વારા કુલ 10 જેટલી સેવાઓને ઓનલાઈન કાર્યરત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા કોર્પોરેશનની તમામ સેવાઓ ઓનલાઈન અને ડિજિટલ કરવા માટે થઈને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. વહિવટમાં પારદર્શકતા માટે સેવાઓ ઓનલાઈન કરવામાં આવી રહી છે. આગામી છ મહિનામાં પ્રોફેશનલ ટેક્સ, સ્વિમિંગ અને જીમનેશિયમ, પાણી અને ડ્રેનેજ, રોડ એન્ડ બિલ્ડિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને નવા હોસ્પિટલ રજીસ્ટ્રેશન વગેરેની સેવાઓને ડિજિટલ કરી દેવામાં આવશે.