બાબા સિદ્દીકીની હત્યાથી ઉશ્કેરાયેલા પપ્પુ યાદવે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે ફેક્યો પડકાર
પૂર્ણિયાઃ ગુજરાતની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી એકવાર મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાના કારણે ચર્ચામાં છે. અહીં આ ઘટના બાદ પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની સોશિયલ મીડિયાની એક પોસ્ટને પગલે વિવિધ અટકળો વહેતી થઈ છે. આ પોસ્ટમાં સાંસદ પપ્પુ યાદવે જણાવ્યું હતું કે, જો કાયદો પરવાનગી આપે છે, તો હું 24 કલાકની અંદર લોરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારનું આખું નેટવર્ક ખતમ કરી નાખીશ. આ પહેલા તેમણે સુરક્ષાને લઈને સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
તેમણે કહ્યું કે એક ગુનેગાર જેલમાં બેસીને લોકોને પડકારી રહ્યો છે અને મારી રહ્યો છે, દરેક વ્યક્તિ મૂક પ્રેક્ષક બની ગયા છે. ક્યારેક મૂસેવાલા, કરણી સેનાનો ચીફ, હવે એક ઉદ્યોગપતિ અને રાજકારણી માર્યા ગયા છે. જો કાયદો પરવાનગી આપશે તો હું 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા બે ટકાના ગુનેગારનું આખું નેટવર્ક ખતમ કરી નાખીશ.
પપ્પુ યાદવની પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. દરમિયાન ભાજપાએ પપ્પુ યાદવની પોસ્ટને લઈને પ્રતિક્રિયા આપી છે. લોરેન્સ બિશ્નોઈનો આતંક અત્યારે ચરમસીમા પર છે. મોટા નેતાઓ પણ તેમની વિરુદ્ધ બોલવાનું ટાળે છે. દરમિયાન સાંસદ પપ્પુ યાદવે આ પોસ્ટ દ્વારા તેમની સામે આકરા પ્રહાર કર્યાં છે.
બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનના નજીક મનાતા પૂર્વ મંત્રી અને એનસીપીના નેતા બાબા જૈમુન સિદ્દીકી ઉર્ફે બાબા સિદ્દીકીની કેટલાક શખ્સોએ ગોળીમારીને હત્યા કરી છે. હત્યાની ઘટનાને પગલે તેમના પૈતૃત ગામ ગોપાલગંજ જિલ્લાના માંઝાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના શેખ ટોળી ગામમાં સન્નાટો ફેલાયો છે.